લંડનઃ હોમ સેક્રેટરી પ્રીતિ પટેલને વિશ્વના સૌથી મોટા ઓઈલ ટ્રેડર્સમાં એક પિયરે એન્ડુરાન્ડની કંપની એન્ડુરાન્ડ વેન્ચર્સ લિમિટેડ દ્વારા 100,000 પાઉન્ડનું ડોનેશન અપાયું છે. હેજ ફંડ મેનેજર એન્ડુરાન્ડે અગાઉ કોઈ રાજકીય દાન આપ્યું હોવાનું મનાતું નથી. હોમ સેક્રેટરીના મેમ્બર્સ ઈન્ટરેસ્ટ્સ રજિસ્ટરમાં આ નવી નોંધ કરાયેલી છે.
હેજ ફંડ એન્ડુરાન્ડ કેપિટલ મેનેજમેન્ટના 45 વર્ષીય મેનેજર પિયરે એન્ડુરાન્ડે 2020માં ઓઈલ કિંમતો તળિયે પહોંચશેની આગાહી કરી સૌને ચોંકાવી દીધા હતા. આગાહી પછી તેણે નોંધપાત્ર નફો મેળવ્યો હતો. આ પછી, આ વર્ષના આરંભે ઓઈલની કિંમતો સાતમા આસમાને પહોંચવાની આગાહી કરીને ભારે નફો હાંસલ કર્યો હતો. એન્ડુરાન્ડે વર્ષ2000માં સિંગાપોર ખાતે ગોલ્ડમેન્ન શાક્સ માટે એનર્જી ટ્રેડર તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. તેણે પોતાનું હેજ ફંડ શરૂ કરતા પહેલા બેન્ક ઓફ અમેરિકા અને વિટ્ટોલમાં સીનિયર ટ્રેડિંગ ભૂમિકાઓ પણ ભજવી હતી. તેઓ આગામી વર્ષોમાં ઓઈલમાં ઈન્વેસ્ટમેન્ટ ચાલુ રાખવાના છે.
આ તેનું પ્રથમ રાજકીય દાન હોવાનું કહેવાય છે. હોમ સેક્રેટરી પટેલના પ્રવક્તાએ જણાવ્યું હતું કે તમામ ડોનેશન્સની જાહેરાત યોગ્ય રીતે કરાતી જ હોય છે. યુક્રેન પર રશિયન આક્રમણ મુદ્દે ભારે વાચાળ રહેલા એન્ડુરાન્ડે રશિયન હાઈડ્રોકાર્બન્સ પર પ્રતિબંધ લાદવા યુરોપને હાકલ કરી છે.