નવી દિલ્હીઃ ભારમાં રિઅલ એસ્ટેટ ખરીદનારાઓ માટે રાહતના સમાચાર છે. જો કોઈ રિઅલ એસ્ટેટ ડેવલપર્સ એપાર્ટમેન્ટ કે મકાન સોંપવામાં મોડું કરશે તો તે ડેવલપર્સને ૧૧.૨ ટકા વ્યાજ સાથેની રકમ ગ્રાહકોને ચૂકવવી પડશે. આ સંબંધિત કાયદાનો નવો મુસદ્દો ઘર ખરીદનારા એ લોકો માટે સૌથી રાહતજનક છે, જેઓ પ્રોજેક્ટના વિલંબથી વધતી લોન લાયેબિલિટીસનો બોજ ઉઠાવી રહ્યાં છે.
ભારત સરકાર દ્વારા ઘડાઈ રહેલા નવા કાયદા પ્રમાણે કમ્પ્લીશન સર્ટિફિકેટ રહિત પ્રોજેક્ટ રિઅલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટીમાં રજિસ્ટર થશે, જે નવો કાયદો નોટિફાઈ થવાના ત્રણ મહિનામાં રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોમાં સ્થાપિત થવાનો છે. ડ્રાફ્ટ રૂલ્સમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે આ રજિસ્ટ્રેશન વખતે બિલ્ડર્સે પ્રોજેક્ટ પૂરો થવાની તારીખ, ફ્લેટની સાઈઝ અને તેમાં જે સુવિધાઓ આપવાના વચન અપાયાં છે, એ બધાંની પણ જાણકારી આપવાની હશે. ડ્રાફ્ટ રૂલ્સ સંદર્ભે ૮મી જુલાઈ સુધી મંતવ્યો માગવામાં આવ્યાં છે.
આવાસ અને શહેરી ગરીબી ઉન્મૂલન મંત્રાલયે રિઅલ એસ્ટેટ રૂલ્સનો મુસદ્દો રિઅલ એસ્ટેટ (ડેવલપમેન્ટ એન્ડ રેગ્યુલેશન) એક્ટ, ૨૦૧૬માં ૧ મેથી લાગુ થયાના બે મહિનામાં જ તૈયાર કરી દીધો છે. તેમાં સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના પ્રાઈમ લેન્ડીંગ રેટ કે તેથી વધુ પર બે ટકા પોઈન્ટ્સ ઈન્ટ્રેસ્ટ રેટ કમ્પેન્શેસનનો પ્રસ્તાવ રખાયો છે.
સામાન્ય રીતે એસબીઆઈનો હોમલોન એમસીએલઆર (માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ બેઝ્ડ લેન્ડિંગ રેટ) કે તેનાથી વધુ પર ૦.૨૦થી ૦.૮૦ ટકા પોઈન્ટ્સનો હોય છે. તેનો મતલબ એ છે કે ૯.૩૫ ટકાથી ૯.૯૫ ટકાની હોમ લોનને ધ્યાનમાં રાખીને કમ્પેન્શેશન રેટ ૧૧.૨ ટકા રહેશે.
કઈ સ્થિતિમાં પ્રોજેક્ટ રજિસ્ટ્રેશન રદ થશે?
જો પઝેશન આપવામાં, એપાર્ટમેન્ટ્સની સાઈઝ વધારવા, કુલ અલોટીઝના ૭૦ ટકાની સંમતિ વિના પ્રોજેક્ટના એડિશનલ ટાવર્સના લેઆઉટ કે કન્સ્ટ્રક્શનમાં ફેરફાર કરવામાં આવશે તો તેવા સંજોગોમાં કાયદાના ઉલ્લંઘનના કારણે રજિસ્ટ્રેશન રદ થઈ શકે છે. આવી પરિસ્થિતિમાં ઓથોરિટી એવો પણ નિર્ણય લઈ શકે છે કે જેમાં બાયર્સ એસોસિએશનની સંમતિથી અન્ય કોઈ બાહ્ય એજન્સી દ્વારા પ્રોજેક્ટ પૂરો કરાવવામાં આવે.