નવી દિલ્હીઃ ભારતના ટોચના કોર્પોરેટ હાઉસ અદાણી ગ્રૂપની ફ્લેગશીપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝ વિશ્વની સૌથી મોટી કોન્ટ્રાક્ટ ઉત્પાદક ફોક્સકોમ સાથે સંયુક્ત સાહસ રચવા મંત્રણા કરી રહી છે. આ સાહસ અંતર્ગત અદાણીના મુંદ્રા ‘સેઝ’માં એપલ આઈફોનનું ઉત્પાદન કરે તેવી સંભાવના છે. જોકે, કંપનીએ સંયુક્ત સાહસના પ્રકાર કે કઈ વસ્તુનું ઉત્પાદન કરશે તે અંગે કોઈ સ્પષ્ટતા કરી નહતી.
ઉલ્લેખનીય છે કે ફોક્સકોન ટેકનોલોજી ગ્રૂપ ભારતમાં મોબાઈલ ડિવાઈસ, ટીવી, ઈલેક્ટ્રોનિકસ પ્રોડક્ટ્સ, બેટરી અને મહત્ત્વનાં ઈલેક્ટ્રોનિક કોમ્પોનન્ટ્સના ૧૦ પ્લાન્ટસમાં પ્રારંભિક તબક્કે બે બિલિયન ડોલરનું રોકાણ કરવાની યોજના ધરાવે છે. આ સાથે તે ‘મેક ઈન ઈન્ડિયા’ પ્રોગ્રામમાં સૌથી મોટી વિદેશી રોકાણકાર બનશે.
અહેવાલમાં એક વરિષ્ઠ અધિકારીને ટાંકીને જણાવાયું હતું કે તે ભારતમાં વાર્ષિક ૪૦ કરોડ હેન્ડસેટના ઉત્પાદનની યોજના ધરાવે છે. જેમાં ૫૦ ટકા ઉત્પાદન ભારત માટે કરાશે. જ્યારે અન્ય પ્રોડક્ટ્સની મિડલ ઇસ્ટ દેશો, આફ્રિકા અને રશિયામાં નિકાસ કરાશે. એપલ આઈફોનની ઉત્પાદક ફોક્સકોન એક કે વધુ ડેટા સેન્ટર્સ ઉપરાંત, આગામી ૧૦ વર્ષમાં સેમિકંડકટર્સ માટે ૧૦ ફેબ્રિકેશન પ્લાન્ટ સ્થાપવાની પણ યોજના ધરાવે છે.
વિશ્વની સૌથી મોટી કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ કંપની ફોક્સકોન કેટલાક પ્લાન્ટ્સ અને ડેટા સેન્ટર માટે અદાણી ગ્રૂપ સાથે જોડાણ કરે તેવી શક્યતા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કંપની ભારતમાં ભારે મશીનરી લાવવા માટે અદાણી પોર્ટનો ઉપયોગ કરશે. માહિતીથી વાકેફ એક સૂત્રને ટાંકીને અહેવાલમાં જણાવાયું હતું કે, ‘અદાણી ગ્રૂપ અને ફોક્સકોન લાંબા ગાળાના મજબૂત સંબંધો બાંધી રહ્યા છે. ઉત્પાદનમાં પ્રવેશવા અદાણી જૂથ ચોક્કસપણે રસ ધરાવે છે.’
તાઈવાનની કંપની ફોક્સકોનના ચેરમેન ટેરી ગૂ ભારતની બે દિવસની મુલાકાતે આવ્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે સોમવારે રાત્રે ભોજન લીધા પછી તેમણે સરકારી અધિકારીઓ સમક્ષ લગભગ અઢી કલાકનું પ્રેઝન્ટેશન કર્યું હતું. ટેરી મંગળવારે ટેલિકોમ પ્રધાન રવિશંકર પ્રસાદને મળ્યા હતા. અદાણી જૂથના ચેરમેન ગૌતમ અદાણી આ બન્ને બેઠકમાં હાજર હતા.
ફોક્સકોનની ઈન્વેસ્ટમેન્ટ કંપની એફઆઈએચ મોબાઈલના ચેરમેન વિન્સેન્ટ ટોંગે જણાવ્યું હતું કે, ‘મિટિંગ બહુ સારી રહી હતી. હવે અમે અમલીકરણ અને તમામ પ્લાન્ટ્સ શરૂ કરવા પણ ધ્યાન કેન્દ્રિત કરીશું. યોગ્ય સમય અને નીતિને જોતાં અમે ભારતના વિકાસને વેગ આપવા નોંધપાત્ર રસ દર્શાવ્યો છે.’
સૂત્રોના જણાવ્યા અનુસાર વડા પ્રધાન મોદી સાથે ટેરીની સોમવારની બેઠક ભારતમાં રોકાણ યોજના માટે નિર્ણાયક રહી હતી. સૂત્રોએ કહ્યું હતું કે, ‘ટેરી ભારતમાં રોકાણ અંગે અવઢવમાં હતા, પરંતુ વડા પ્રધાનની બેઠક પછી સોદો પાકો થયો હતો.’
ફોક્સકોન માઈક્રોમેક્સ જેવી ભારતીય બ્રાન્ડ ઉપરાંત એપલ, બ્લેકબેરી, શાઓમી, મોટોરોલા, સોની અને હ્યુઆવીના હેન્ડસેટનું ઉત્પાદન કરે છે.