કોલકતાઃ બંધન ફાઇનાન્સિયલ સર્વિસને યુનિવર્સલ બેન્ક સ્થાપવા માટે રિઝર્વ બેન્ક ઓફ ઇંડિયા (આરબીઆઇ)ની મંજૂરી મળી ગઇ છે અને ૨૩ ઓગસ્ટના રોજ બેન્કની પહેલી બ્રાન્ચ કાર્યરત થશે.
બંધન ગ્રૂપના ચેરમેન ચંદ્ર શેખર ઘોષે જણાવ્યું હતું કે કંપનીના હેડ ક્વાર્ટર કોલકતામાં બેન્કની પહેલી શાખા ખુલ્લી મૂકવામાં આવશે. તેમણે કહ્યું હતું કે બંધનને આરબીઆઇ તરફથી લાઇસન્સ મળી ગયું છે. બંધનની ખાસ કરીને પૂર્વ અને ઉત્તર પૂર્વીય વિસ્તારોને ધ્યાનમાં રાખીને દેશભરમાં કુલ ૫૦૦થી ૬૦૦ બ્રાન્ચ ખોલવાની યોજના છે. બેન્ક બધા માટે હશે અને તેનું મુખ્ય ધ્યાન જેમને બેન્ક એકાઉન્ટ નથી તેમના પર રહેશે.
ઉલ્લેખનીય છે કે બંધન ગ્રૂપે બેન્કની સ્થાપના માટે ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ કોર્પોરેશન, જીઆઇસી અને સિડબી તરફથી રૂ. ૧૦૨૦ કરોડ ઇક્વિટીરૂપે એકત્ર કર્યાં છે. બેન્કની નેટવર્થ આરબીઆઇ દ્વારા નક્કી કરાયેલી નવી બેન્ક માટેની રૂ. ૫૦૦ કરોડની કેપિટલ બેઝ કરતા વધુ તેમ જ સારા પ્રમાણમાં છે. બંધન બેન્ક કોલકતા બાદ દેશના અન્ય શહેરોમાં પણ લોકો માટે બ્રાન્ચ ખુલ્લી મૂકશે અને તેની મુખ્ય કામગીરી એસએમઇ કેન્દ્રિત રહેશે.