નવી દિલ્હીઃ નાણા પ્રધાન અરુણ જેટલીએ રજૂ કરેલા બજેટના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભરપેટ વખાણ કરતા તેને ગ્રામલક્ષી, ગરીબલક્ષી અને કિસાનલક્ષી ગણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આ બજેટમાં કૃષિ, ગ્રામીણ માળખું, સ્વાસ્થ્ય ક્ષેત્ર, રોજગારી પર વધુ ધ્યાન અપાયું છે. બજેટનો મુખ્ય હેતુ દેશમાં ગુણવત્તાયુક્ત પરિવર્તન લાવવાનો છે, બજેટથી દેશના આમ નાગરિકનો ઘણો વિકાસ થશે તેવો દાવો મોદીએ કર્યો હતો.
એક સમયે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ યુપીએ સરકારની યોજના ‘મનરેગા’ની ટીકા કરી હતી અને તેને કોંગ્રેસના શાસનની નિષ્ફળતાનો પુરાવો ગણાવ્યો હતો. જોકે આ વખતે બજેટના વખાણ કરતી વેળાએ ‘મનરેગા’ યોજનાની પણ તરફેણ કરતા તેમણે જણાવ્યું હતું કે મારી સરકારે ‘મનરેગા’ માટે અત્યાર સુધીમાં સૌથી વધુ બજેટ ફાળવ્યું છે.
મોદીએ ગ્રામીણ વિસ્તારોમાં મહિલાઓ ચુલા પર રસોઇ બનાવે છે જેના પગલે તેમના સ્વાસ્થ્ય પર વિપરીત અસર થાય છે. દિવસમાં ૪૦૦ સિગારેટ પીવાથી જેટલી અસર સ્વાસ્થ્ય પર થાય છે તેટલી જ અસર એક દિવસ ચુલો ફૂંકતી મહિલાઓને થાય છે. સરકારે આ વખતના બજેટમાં ગ્રામીણ મહિલાઓને મફતમાં એલપીજી કનેક્શન આપવાની જાહેરાત કરી છે, જેનાથી ન માત્ર સ્વાસ્થ્ય સાથે સાથે પર્ણાવરણને પણ ફાયદો થશે તેમ મોદીએ જણાવ્યું હતું.
દેશમાં વ્યાપેલી બેરોજગારી અંગે તેમણે જણાવ્યું હતું કે દેશના યુવાઓએ નોકરી માગવી ન જોઇએ, પણ નોકરી ઉભી કરનારા બનવું જોઇએ. મોદીએ કહ્યું કે મારી ઇચ્છા છે કે દેશના યુવાઓ નોકરી માગનારા નહીં પણ નોકરી ઉભી કરનારા બને.