નવી દિલ્હીઃ ભારતના શિક્ષણ ક્ષેત્રના ટોચના સ્ટાર્ટઅપ બાયજુસે તાજેતરના દિવસોમાં હજારો નોકરીઓમાં કાપ મૂક્યો છે અને તેની સાથે એક્વિઝિશનના રૂ. 7,800 કરોડની ચૂકવણી પાછી ઠેલ્યાના અહેવાલ છે.
કંપનીએ તાજેતરમાં ખરીદેલા ઓનલાઈન લર્નિંગ સ્ટાર્ટઅપ ‘ટોપર’માંથી 1100 કર્મચારીના રાજીનામા માંગી લીધાના અહેવાલ હતા. આ ઉપરાંત તેણે બે વર્ષ પહેલાં બાળકો માટે ફોકસ્ડ કોડિંગ પ્લેટફોર્મને 30 કરોડ ડોલરમાં હસ્તગત કર્યું હતું. તેમાં પણ 300 કર્મચારીની હકાલપટ્ટી કરી હતી. આ પછી બાયજુસે એક બિલિયન ડોલરમાં ‘આકાશ’ને ખરીદી કરી હતી, હવે તેના પેમેન્ટમાં વિલંબ થઇ રહ્યો છે.
‘આકાશ’ ફિઝિકલ કોચીંગ સેન્ટરની 34 વર્ષીય જૂની ચેઈન છે. જોકે બાયજુસના પ્રવક્તાએ કહ્યું હતું કે તેમણે ચૂકવણી કરવાની પ્રક્રિયા હાથ ધરી જ છે. તેઓ ઓગસ્ટમાં ચૂકવણી કરવાના છે. અમારી બધી ગ્રૂપ કંપનીઓ બધા લર્નિંગ સેગમેન્ટ્સમાં યોગ્ય લર્નિંગ એક્ઝામ પ્રેપ દ્વારા શિક્ષણ પૂરું પાડે છે. ‘ટોપર’માં કરાયેલી છટણી બાયજુસનું કહેવું છે કે અમે તેનો 80 ટકા સ્ટાફ અમારામાં સમાવી લીધો છે. હવે પછીનું ફોકસ ધંધાકીય અગ્રતાઓને પુનઃ ગઠિત કરવાનું અને લાંબા ગાળાની વૃદ્ધિનું રહેશે.