દેશવિદેશના વેપાર-વણજની વાતો...
ભારત-યુએઇ વચ્ચે પહેલીવાર રૂપિયામાં લેવડદેવડ
નવી દિલ્હીઃ ભારત અને યુએઇ વચ્ચે પહેલી વાર ડોલરના બદલે રૂપિયામાં બિઝનેસ ટ્રાન્ઝેક્શન થયું છે. ભારતે 10 લાખ બેરલ ફ્રૂડની ખરીદીની ચૂકવણી રૂપિયામાં કરી હતી. આ લેવડદેવડ અબુ ધાબી નેશનલ ઓઇલ કંપની અને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ વચ્ચે થઇ છે. બન્ને દેશો વચ્ચે રૂપિયામાં લેવડદેવડ કરવાની સમજૂતી ગયા જુલાઇમાં થઇ હતી.
•••
વૈશ્વિક બજારમાં ચોખાના ભાવ 12 વર્ષની ટોચે
નવી દિલ્હીઃ ભારતે બાસમતી સિવાયના ચોખાની નિકાસ પર પ્રતિબંધ લગાવ્યા બાદ આખી દુનિયામાં તેના ઘેરા પડઘા પડ્યા છે. ચોખાના ભાવ એકાએક 12 વર્ષની ટોચે પહોંચી ગયા છે. ભારતમાંથી નિકાસ થતાં કુલ ચોખામાં બિનબાસમતી સફેદ ચોખાનો હિસ્સો 25 ટકા હતો. ભારત સરકારે તેની નિકાસ પર પ્રતિબંધ લગાવ્યા બાદ તાજેતરના દિવસોમાં ચોખાના ભાવ ઝડપથી વધા છે.
•••
ભારતના ‘બોઇલર મેન’ દોરિયસ ફોર્બ્સનું નિધન
પૂણેઃ ભારતના ‘બોઈલર મેન’ તરીકે જાણીતાં અને ફોર્બ્સ માર્શલ કંપનીના સહસ્થાપક વરિષ્ઠ ઉંઘોગપતિ દોરિયસ ફોર્બ્સનું 97 વર્ષની જૈફ વયે મુંબઈમાં નિધન થયું છે. ફોર્બ્સે પોતાના કાકા જે.એન. માર્શલની સાથે મળીને ફોર્બ્સ માર્શલ નામની કંપનીની સ્થાપના કરી સ્વાતંત્ર્યોત્તર ભારતમાં સ્ટીમ એન્જિનિયરિંગને વેગ આપવામાં પાયારૂપ ભૂમિકા ભજવી હતી. ફોર્બ્સના પરિવારમાં બે પુત્રો ફરહાદ અને નૌશાદનો સમાવેશ થાય છે. 1926માં પારસી પરિવારમાં જન્મેલાં દોરિયસ ભારતના એન્જિનિયિંગ ક્ષેત્રમાં અત્યંત આદર ધરાવતું નામ છે. ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ એસ. રાધાકૃષ્ણન્ બનારસ હિન્દુ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન ફોર્બ્સના માર્ગદર્શક હતાં.
•••
પેપરફ્રાયના સહસ્થાપક અંબરિશ મૂર્તિનું હાર્ટએટેકથી નિધન થયું
નવી દિલ્હીઃ પેપરફ્રાયના સહસ્થાપક અને સીઇઓ અંબરિશ મૂર્તિનું હૃદયરોગના હુમલાના લીધે નિધન થયું છે. તેઓ ફક્ત 51 વર્ષના જ હતા. તેઓ ફર્નિચર અને હોમ ડેકોરના ઓનલાઇન માર્કેટપ્લેસના સહસ્થાપક હતા. આશિષ શાહે જણાવ્યું હતું કે મારા મિત્ર, માર્ગદર્શક, બંધુ અંબરિશ મૂર્તિ હવે નથી તે વાત મારા માટે આંચકાજનક છે. મૂર્તિ મુંબઈથી લદાખ મોટરબાઇક પર ટ્રીપમાં ગયા હતા. તેમણે કેડબરી, આઇસીઆઇસીઆઇ એએમસી અને લેવીસમાં કામ કર્યા પછી 2011માં પેપરફ્રાયની સ્થાપના કરી હતી.
•••