બેંગ્લૂરુઃ શહેરના આ મૂર્તિ ઇન્ફોસિસવાળા નારાયણ મૂર્તિ તો નથી, પરંતુ તેમની કંપનીએ હોર્ટોનવર્ક્સે માત્ર ચાર જ વર્ષમાં છ બિલિયન રૂપિયાની કમાણી કરીને સાબિત કરી આપ્યું છે કે, તેઓ કોઈનાથી કમ નથી. અરુણ મૂર્તિનો ઇન્ફોસિસના નારાયણ મૂર્તિ સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ કોઇ કોઈ સંબંધ નથી, પરંતુ આ ૩૫ વર્ષની આ વ્યક્તિ એ જ ઝડપથી પ્રગતિની સીડીઓ ચઢી રહી છે, જે રીતે ક્યારેક નારાયણ મૂર્તિ ચડયા હતા.
અરુણ મૂર્તિ સિલિકોન વેલીના સૌથી નવાસવા સ્ટાર્ટઅપ હોર્ટોનવર્કસના સ્થાપક છે. આ કંપની ૨૦૧૧માં અસ્તિત્વમાં આવી હતી. બાર્કલેસ રિસર્ચ અનુસાર, ચાર વર્ષની અંદર છ બિલિયન રૂપિયાની રેવન્યૂ કમાનાર પહેલી સોફ્ટવેર કંપની બની ગઈ છે. કમાણીનો આ આંકડો સેલ્સફોર્ડે પાંચ વર્ષમાં, પાલ્ટો આલ્ટો નેટવર્ક્સે છ વર્ષમાં, ઇન્ફોર્મેટિકાએ આઠ વર્ષમાં સ્પર્શ્યો હતો. વર્ષ ૨૦૧૪માં આ કંપની આઇપીઓ લઇને આવી હતી ત્યારે તેના મૂલ્યાંકનમાં જ તેણે અબજો ડોલરનો આંકડો સ્પર્શી લીધો હતો.
હોર્ટોનવર્ક્સની સફળતા પાછળ અરુણ મૂર્તિનું તેજ દિમાગ છે. તેમણે ફક્ત ૧૦ વર્ષની ઉંમરથી જ કોડિંગ શરૂ કરી દીધું હતું. પ્રારંભિક દિવસોમાં મૂર્તિ ગો ગેમથી ખૂબ પ્રભાવિત હતા. ગો અઢી હજાર વર્ષ જૂની રમત છે, જે ચેસથી પણ અઘરી માનવામાં આવે છે. મૂર્તિમાં એક બિઝનેસમેનની પણ કાબેલિયત છે.
શાળાના દિવસોમાં જ તેમણે કમ્પ્યૂટર એસેમ્બલ કરીને વેચવાનું શરૂ કરી દીધું હતું. તે વખતે તેમની ઉંમર ફક્ત ૧૬-૧૭ વર્ષ હતી અને તેઓ તેમના માતા-પિતાથી પણ વધુ કમાતા હતા. મૂર્તિએ બેંગ્લૂરુની આર. વી. કોલેજ ઓફ એન્જિનિયરિંગમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે.