લંડનઃ ન્યૂ યોર્ક અને હોંગ કોંગ જેવી વિશ્વની નાણાકીય રાજધાનીઓ સામે લંડનની સ્પર્ધાત્મકતાને ઉત્તેજન આપવાના પ્રયાસરૂપે બ્રિટિશ ચાન્સેલર ક્વાસી ક્વારટેન્ગ બેન્કર્સના બોનસ પરના મર્યાદા દૂર કરવા વિચારી રહ્યા છે. ફાઈનાન્સિયલ ટાઈમ્સના અહેવાલ મુજબ આ પગલાંથી લંડન ઉચ્ચ વૈશ્વિક પ્રતિભાઓ માટે આકર્ષક સ્થળ બની રહેશે. નાણાકીય કટોકટી પછી સમગ્ર યુરોપીય યુનિયનમાં બેન્કર્સના બોનસ પર મર્યાદા લાદવામાં આવી હતી અને બ્રિટને હવે ઈયુ છોડી દીધા પછી પણ આ મર્યાદા યથાવત છે. બોરિસ જ્હોન્સનના વહીવટીતંત્રે જૂન મહિનામાં આ મર્યાદા દૂર કરવા વિચાર્યું હતું પરંતુ, તેને પડતી મૂકાઈ હતી.
ધનવાન બેન્કર્સને મદદ કરાતી હોવાની ટીકા ન થાય તે માટે ચાન્સેલર ક્વારટેન્ગ કન્ઝ્યુમર એનર્જી બિલ્સ પર બે વર્ષ માટે મૂકાયેલી મર્યાદાની જાહેરાતના સંદર્ભમાં આ પગલું લઈ શકે છે. ચાન્સેલરનું લક્ષ્ય આ મહિનાના અંત સુધીમાં ફિસ્કલ સ્ટેટમેન્ટ કરવાનું છે. જેમાં તેઓ કન્ઝર્વેટિવ પાર્ટીના નેતાપદની સ્પર્ધા દરમિયાન વડા પ્રધાન લિઝ ટ્રસ દ્વારા ટેક્સમાં કાપના અપાયેલાં વચનોને કેવી રીતે પરિપૂર્ણ કરાશે તે જણાવશે.