નવી દિલ્હીઃ ભારતમાં બેન્કિંગ ક્ષેત્રે ક્રાંતિનો પવન ફૂંકાયો છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઇ)એ બુધવારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, આદિત્ય બિરલા નુવો, વોડાફોન અને એરટેલ સહિત ૧૧ કંપનીઓને પેમેન્ટ બેન્ક સ્થાપવા માટે સૈદ્ધાંતિક મંજૂરી આપીને લાયસન્સ ઇસ્યુ કર્યા છે. દેશમાં પેમેન્ટ બેન્ક શરૂ કરવા માટે કુલ ૪૧ કંપનીઓએ અરજી કરી હતી.
આરબીઆઇની મંજૂરી મેળવનારી અન્ય કંપનીઓમાં - સંસ્થાઓમાં પોસ્ટલ ડિપાર્ટમેન્ટ, ચોલામંડલમ્ ડિસ્ટ્રિબ્યુશન સર્વિસીસ, ટેક મહિન્દ્રા, નેશનલ સિક્યુરિટિઝ ડિપોઝિટરી લિમિટેડ (એનએસડીએલ), ફિનો પેટેક, સન ફાર્માના દિલીપ શાંતિલાલ સંઘવી અને પે ટીએમના વિજય શેખર શર્માનો સમાવેશ થાય છે. રિઝર્વ બેન્ક દ્વારા અપાયેલી આ સૈદ્ધાંતિક મંજૂરી ૧૮ મહિનાના સમયગાળા માટે માન્ય રહેશે, જે દરમિયાન આ અરજદારોએ માર્ગદર્શિકામાં સૂચવાયેલી તમામ શરતોનું પાલન કરવાનું રહેશે.
રિઝર્વ બેન્ક લાયસન્સ ઇસ્યુ કરવાના આ રાઉન્ડમાંથી મળેલાં અનુભવોને આધારે ગાઈડલાઈન્સમાં સુધારો કરીને નિયમિત ધોરણે લાયસન્સ આપવાની દિશામાં આગળ વધશે. મોબાઈલ કંપનીઓ, સુપરમાર્કેટ શ્રૃંખલા તથા અન્ય કંપનીઓ પેમેન્ટ બેન્ક્સની મદદથી વ્યક્તિગત અને નાના કારોબારોની જરૂરિયાત પૂર્ણ કરવામાં ઉપયોગી પુરવાર થશે. પેમેન્ટ બેન્ક્સ ડિમાન્ડ ડીપોઝિટ્સની સ્વિકૃતિ, રેમિટન્સ સર્વિસીસ, ઈન્ટરનેટ બેન્કિંગ તથા અન્ય નિર્દેશિત સેવાઓ સુધી પોતાની કામગીરી મર્યાદિત રાખશે.
રિઝર્વ બેન્ક ઓફ ઇંડિયાના જણાવ્યા અનુસાર આ ૧૧ અરજદારો દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી અંતર્ગત જરૂરી શરતોનું પાલન થયાની ખાતરી બાદ તેમને બેન્કિંગ કારોબાર શરૂ કરવા માટે લાયસન્સ આપવા વિચારણા કરશે. જ્યાં સુધી રેગ્યુલર લાયસન્સ ના મળે ત્યાં સુધી અરજદારો કોઈ બેન્કિંગ કારોબાર કરી શકશે નહીં.
દેશની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની પેમેન્ટ બેન્કમાં ૩૦ ટકા જેટલો હિસ્સો લેશે. જ્યારે દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની ભારતી એરટેલ ૧૯.૯ ટકા હિસ્સો કોટક મહિન્દ્રા બેન્કને આપવાની યોજના ધરાવે છે. આદિત્ય બિરલા નુવોએ આઈડિયા સેલ્યુલર સાથે જોડાણ કર્યું છે અને આ સંયુક્ત સાહસમાં તેનો હિસ્સો ૪૯ ટકા જેટલો રહેશે.
પેમેન્ટ બેન્કનું કાર્યક્ષેત્ર
પેમેન્ટ બેન્કોને શરૂઆતમાં ગ્રાહક દીઠ રૂ. ૧ લાખ સુધીનું મહત્તમ બેલેન્સ રાખવાની મંજૂરી અપાશે. આ બેન્કો અન્ય બેન્કોની જેમ એટીએમ/ડેબિટ કાર્ડ જારી કરી શકશે. જોકે તેઓ ક્રેડિટ કાર્ડ જારી કરી શકશે નહીં. આ ઉપરાંત આ બેન્કો મ્યુચ્યુઅલ ફંડ્સ તથા વીમા પ્રોડક્ટ્સ જેવી બિન-જોખમી નાણાકીય પ્રોડક્ટ્સના વિતરણની કામગીરી પણ કરી શકશે.