બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ માટે તગડો ચાર્જ વસૂલે છે સેલિબ્રિટીસ

Sunday 03rd May 2015 06:59 EDT
 
 

નવી દિલ્હીઃ મનોરંજન અને સ્પોર્ટસ જગતની હસ્તીઓને એન્ડોર્સમેન્ટ માટે ઓફર કરાતી રકમ આકાશને આંબી રહી છે. બોલિવૂડનો પ્રસિદ્ધ સ્ટાર આમિર ખાન એન્ડોર્સમેન્ટ માટે દૈનિક પાંચ કરોડ રૂપિયા ચાર્જ કરે છે. અને એ તો સ્વાભાવિક છે કે કોઈ બ્રાન્ડ તેને વર્ષમાં માત્ર એક દિવસ માટે તો સાઇન નથી કરતી. આમ તે વર્ષમાં માત્ર ચાર દિવસ એન્ડોર્સમેન્ટ કરે તો પણ તેને તગડી આવક થાય છે. વળી, આમિર ગમે તે બ્રાન્ડનો પ્રચાર પણ નથી કરતો. તે માર્કેટિંગનો પ્લાન સમજે છે, બધી વિગતો મેળવે છે અને પ્રોડક્ટની ચકાસણી પણ કરે છે.
સ્નેપડીલે તાજેતરમાં આમિર ખાનને રૂ. ૩૦ કરોડમાં સાઇન કર્યો છે જ્યારે રસનાએ અક્ષય કુમાર સાથે રૂ. ૧૮ કરોડમાં ત્રણ વર્ષની ડીલ કરી છે. એન્ડોર્સમેન્ટમાં આમિરનો નજીકનો સ્પર્ધક શાહરુખ છે, જે પ્રતિદિન ૩.૫ કરોડથી ચાર કરોડ રૂપિયા ચાર્જ કરે છે. તે બિન-વિવાદાસ્પદ બ્રાન્ડ પસંદ કરે છે, પરંતુ બ્રાન્ડની સંખ્યા મોટી રાખે છે. આથી જ તે પેઇન્ટથી માંડીને ઇ-કોમર્સ, અંડરગારમેન્ટથી લઈને શરાબની એડમાં જોવા મળે છે. એક સેલિબ્રિટી મેનેજરે કહ્યું કે શાહરુખ માને છે કે તે બ્રાન્ડ કરતાં મોટો છે. તેથી તેનું મોડલ એકદમ અલગ છે.
ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન એમ. એસ. ધોની પણ બ્રાન્ડ્સમાં લોકપ્રિય છે. ઉદ્યોગનાં સૂત્રો પ્રમાણે તે વર્ષના રૂ. ૧૨ કરોડ ચાર્જ કરે છે (વર્ષમાં ૩-૪ દિવસ માટે). પેપ્સિકો અને યુબી સાથે તેણે સૌથી મોંઘી ડીલ કરી છે. વિરાટ કોહલી પણ એન્ડોર્સમેન્ટ ફી સતત વધારતો જાય છે. છેલ્લા ત્રણ વર્ષમાં તેનો દૈનિક એન્ડોર્સમેન્ટ ચાર્જ લગભગ ૫૦૦ ટકા વધ્યો છે. હાલમાં તે દૈનિક રૂ. ૧.૭૫ કરોડ ચાર્જ કરે છે. પેપ્સી સાથે તેણે ત્રણ વર્ષના કરાર કર્યા છે જેમાં તે કુલ આઠ દિવસ એન્ડોર્સમેન્ટ કરશે, જેમાં તેને રૂ. ૧૪ કરોડ મળશે. બ્રાન્ડની સંખ્યા વધવાની સાથે તેમનો ખર્ચ પણ વધતો જાય છે.
યુવા દિલોમાં લોકપ્રિય રણબીર કપૂર કેટલાંક વર્ષ અગાઉ રૂ. એક કરોડ ચાર્જ કરતો હતો, જે હવે દૈનિક ત્રણ કરોડ ચાર્જ કરવા લાગ્યો છે. તેની ચોક્કસ સ્ટ્રેટેજી છે જે પ્રમાણે તે ઓછામાં ઓછા બે વર્ષની ડીલ કરે છે, જેમાં વર્ષમાં ઓછામાં ઓછા ચાર દિવસ એન્ડોર્સમેન્ટ થાય છે. તેથી કુલ લગભગ રૂ. ૨૪ કરોડની આવક મેળવે છે. આ ઉપરાંત દીપિકા પદુકોણે તેની ફી વધારીને બે કરોડ કરી છે. કેટરિના કૈફ એક દિવસના એક કરોડ ચાર્જ કરે છે.
એન્ડોર્સમેન્ટ જગતમાં નવાં નામો પર નજર ફેરવીએ તો લેખક ચેતન ભગત એક વખત ઉપસ્થિત રહેવા માટે પાંચથી સાત લાખનો ચાર્જ વસૂલે છે, જ્યારે શેફ વિકાસ ખન્ના પાંચથી આઠ લાખનો ચાર્જ વસૂલ કરે છે. કરણ જોહર ડીલ દીઠ રૂ. ૫૦થી ૬૦ લાખ ચાર્જ કરે છે. પરંતુ જો તે એડ ફિલ્મને ડાયરેક્ટ કરે તો તેની ફી એક કરોડ રૂપિયા સુધી પહોંચી જાય છે.
યુવાકેન્દ્રી બ્રાન્ડમાં તાજા ચહેરાઓને પસંદ કરાય છે. તેથી કોકા-કોલાએ ગયા વર્ષે આલિયા ભટ્ટ, સિદ્ધાર્થ મલ્હોત્રા અને વરુણ ધવનને બે કરોડ રૂપિયામાં સાઇન કર્યા હતા. ‘આશિકી’ અને ‘હૈદર’ જેવી ફિલ્મોમાં ચમકેલી શ્રદ્ધા કપૂર એક દિવસના એન્ડોર્સમેન્ટ માટે રૂ. ૬૦થી ૭૦ લાખ ચાર્જ કરે છે. અનુષ્કા શર્માની ફી પણ આટલી જ છે.
આ ઉપરાંત વીતેલા જમાનાના સ્ટારને પણ એન્ડોર્સમેન્ટ માટે પસંદ કરવામાં આવે છે. યુરેકા ફોર્બ્સે તાજેતરમાં માધુરી દીક્ષિતને એક્વાગાર્ડ માટે બ્રાન્ડ એમ્બેસેડર બનાવી છે. માધુરી એક એન્ડોર્સમેન્ટ માટે ત્રણ કરોડ રૂપિયા લેતી હોવાનું ઉદ્યોગનાં સૂત્રો જણાવે છે. બોક્સર વિજેન્દ્ર સિંઘ, ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા અને બેડમિન્ટન સ્ટાર સાઇના નેહવાલની પણ સારી માંગ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter