લંડનઃ વિશ્વમાં ફેશનસ્ટાઈલ અને સુંદર દેખાવા પાછળ ખર્ચ કરવામાં ફ્રેન્ચ મહિલાઓ અવ્વલ ગણાય છે અને બ્રિટિશ મહિલાઓ કરતાં વધુ ફેશનેબલ મનાય છે. જોકે, ગત વર્ષે બ્યુટી પ્રોડક્ટ્સ પાછળ ચાર બિલિયન પાઉન્ડથી વધુનો ખર્ચ કરીને બ્રિટિશ મહિલાઓ પ્રથમ વખત ફ્રેન્ચ મહિલાઓ કરતાં આગળ નીકળી ગઈ છે. આ સાથે જ યુકે હવે જર્મની અને અમેરિકા પછી વિશ્વનું ત્રીજું સૌથી મોટું બ્યુટી માર્કેટ બની ગયું છે.
નિષ્ણાતો માને છે કે ક્રિસમસમાં ભારે શોપિંગ, ઓનલાઈન શોપિંગમાં ૩૮ ટકાના ધરખમ વધારા અને નવેમ્બરમાં ‘બ્લેક ફ્રાઈડે’ વખતે વેચાણમાં સાત ટકા વધારા સાથે યુકેમાં વેચાણવૃદ્ધિ નોંધાઈ હતી. લક્ઝરી માર્કેટના ૨.૪ બિલિયન પાઉન્ડના વેચાણ સાથે ૨૦૧૫માં બ્રિટનમાં બ્યુટી પ્રોડક્ટ્સનું કુલ વેચાણ ચાર બિલિયન પાઉન્ડ રહ્યું હતું, જે ૨૦૧૪ના વેચાણથી ૧૧૦ મિલિયન પાઉન્ડ વધુ હતું.
યુકે બ્યુટી રિટેઈલ એસોસિએશન COPRAના વાઈસ ચેરમેન રાકેશ અગ્રવાલે જણાવ્યું હતું કે, ‘યુકે બ્યુટી ઈન્ડસ્ટ્રી માટે ૨૦૧૫નું વર્ષ ખૂબ ઉત્સાહજનક હતું. માર્કેટ પ્રોડક્ટ્સના ભાવ પર ખૂબ આધાર રાખે છે. અમે ગ્રાહકોને ભાવની સરખામણીએ સારી વસ્તુ આપીએ છીએ, તેનાથી પણ વેચાણ વધ્યું થયો છે. આખા યુરોપમાં સૌથી વધુ ડિસ્કાઉન્ટ આપવામાં યુકેના રિટેઈલર્સ ઉદાર છે.’