વોશિંગ્ટનઃ વડા પ્રધાન મોદીએ રવિવારે સવારે વોશિંગ્ટન પહોંચ્યા બાદ સૌથી પહેલી બેઠક અમેરિકાની ટોચની કંપનીઓના વડાઓ સાથે કરી હતી. હોટેલ વિલાર્ડ ઈન્ટરકોન્ટિનેન્ટલમાં યોજાયેલી રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં ટોચના સીઈઓને સંબોધતા તેમણે કહ્યું હતું કે અમેરિકન કંપનીઓ ભારતમાં રોકાણ કરીને વિકાસમાં સહભાગી થઈ શકે છે. ભારતનો વિકાસ અમેરિકા માટે પણ વિન-વિન સિચ્યુએશન છે. અત્યારે દુનિયાભરના રોકાણકારો ભારત તરફ નજર કરી રહ્યા છે.
મિનિમમ ગવર્ન્મેન્ટ મેક્સિમમ ગવર્નન્સ
સીઈઓને સંબોધન કરતાં મોદીએ કહ્યું હતું કે મિનિમમ ગવર્નમેન્ટ મેક્ઝિમમ ગવર્નન્સ તેમજ ભારતની સ્થિતિને બિઝનેસ અનુકૂળ બનાવવા સરકારે ૭,૦૦૦ જેટલા સુધારા કર્યા છે. તેમણે વધુ કહ્યું કે ભારતે સાધેલા વિકાસે ભારત અને અમેરિકા એમ બંનેને ભાગીદારીના લાભની તક આપી છે. બેઠકમાં વડા પ્રધાન મોદીએ સીઈઓના ‘વિશ લિસ્ટ’ કે બિઝનેસની અનુકૂળતા માટેની માગણીઓને સાંભળી હતી.
મોદીએ કહ્યું હતું કે, એનડીએ સરકારની નીતિઓના કારણે છેલ્લાં ત્રણ વર્ષમાં ભારતે વિદેશી રોકાણ આવ્યું છે. અમેરિકાએ ૨૦૧૫માં ભારતમાં ઐતિહાસિક ૧૧૦ બિલિયન ડોલરનું રોકાણ કર્યું છે. છેલ્લાં દસ વર્ષમાં ભારત-અમેરિકાનો વેપાર ત્રણ ગણો વધ્યો છે. ભારત દ્વારા અમલી કરાયેલો ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) ભારત માટે ગેમ ચેન્જર છે. અમેરિકન મીડિયાના અહેવાલો પ્રમાણે, યુએસ કોંગ્રેસના અગ્રણી સાંસદોએ ટ્રમ્પને વિનંતી કરી છે કે, ભારતીય વડાપ્રધાન સાથેની બેઠકમાં વેપાર અને રોકાણની તકો આડેના અવરોધો દૂર કરવામાં આવે. ભારત દ્વારા મૂકવામાં આવેલા નવા પ્રતિબંધો અમેરિકાની કૃષિ, ઉત્પાદન અને સેવાના અર્થતંત્રને નુકસાન પહોંચાડી શકે છે.
દિગ્ગજ સીઇઓની હાજરી
બેઠકમાં ગૂગલના સીઈઓ સુંદર પિચાઇ, માઇક્રોસોફ્ટના સીઈઓ સત્ય નદેલા, માસ્ટરકાર્ડના અજય બાંગા, એબોડના શાંતનુ નારાયન, ડેલોઇટ ગ્લોબલના પુનિત રંજન જેવા ભારતીય દિગ્ગજોની સાથે એપલ, ફેસબુક, આઈબીએમ, એમેઝોન, એડોબ, ઇમર્સન, સિસ્કો સહિતની ૨૦ અગ્રણી કંપનીઓના ટોપ એક્ઝિક્યુટિવ્સે પણ હાજરી આપી હતી. અમેરિકા-ભારત બિઝનેસ કાઉન્સિલના વડા મુકેશ આઘીએ જણાવ્યું હતું કે વીતેલા દાયકામાં બંને દેશ વચ્ચેનો વેપાર અને રોકાણો ત્રણ ગણા થયા છે.