નવી દિલ્હી: વિશ્વના અન્ય વિકસિત દેશોની સરખામણીમાં અનેક પ્રતિકૂળતાઓ અને મંદીના માહોલ છતાં ભારતીય અર્થતંત્રે વિકાસના પંથે ઝડપી મજલ કાપી છે. વર્લ્ડ બેન્કના અહેવાલ અનુસાર, ભારતીય ઈકોનોમી બે ટ્રિલિયન ડોલરની એટલે કે ૧,૨૬,૮૩૩ બિલિયન રૂપિયાની થઈ છે.
વર્લ્ડ બેન્કના અહેવાલ અનુસાર, ૨૦૧૪માં ભારતની ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી)એ ૧,૨૬,૮૩૩ બિલિયન રૂપિયાના આંકને પાર કર્યો છે. હાલ ભારતની કુલ જીડીપી ૨.૦૬૭ ટ્રિલિયન અમેરિકન ડોલર એટલે કે આશરે ૧,૩૦,૫૭૨.૩૯ બિલિયન રૂપિયા થઈ છે.
અલબત્ત, ભારતીય અર્થતંત્રે લાંબી મજલ કાપી હોવા છતાં તે અમેરિકા અને ચીનથી પાછળ છે. ચીનનું અર્થતંત્ર ભારત કરતાં પાંચ ગણું મોટું છે જ્યારે અમેરિકાનું અર્થતંત્ર નવ ગણું મોટું છે.
ભારતે છેલ્લાં સાત વર્ષમાં તેની ઈકોનોમીમાં ૧ ટ્રિલિયન ડોલરનો એટલે કે ૬૩,૧૭૦ બિલિયન રૂપિયાનો વધારો કર્યો છે. વિશ્વનાં સૌથી ઝડપથી વિકસતાં અર્થતંત્રમાં તેણે સ્થાન મેળવ્યું છે.
જોકે ભારતીય અર્થતંત્રે ભલે જીડીપીમાં હરણફાળ ભરી હોય, પણ દેશના નાગરિકોની સરેરાશ વાર્ષિક આવક રૂ. ૧,૦૧,૪૩૦ રૂપિયા જ છે જે ડોલરના સંદર્ભમાં ૧,૬૧૦ ડોલર છે અને તેને લોઅર મિડલ ઇન્કમ કેટેગરીની આવક ગણવામાં આવે છે.