ભારતની બેબાક મીડિયા ચેનલ એનડીટીવી પર ગૌતમ અદાણીનો કબજો નિશ્ચિત?

એનડીટીવીની લેણદાર કંપની વીસીપીએલમાં અદાણી જૂથે 100 ટકા હિસ્સો ખરીદી ખેલ પાડ્યો

Wednesday 31st August 2022 06:15 EDT
 
 

નવી દિલ્હી

એશિયાના સૌથી અમીર વ્યક્તિ ગણાતા ગૌતમ અદાણીનું અદાણી ગ્રુપ શેરબજારોમાં ક્રેડિટ રિસર્ચ કંપની ક્રેડિટસાઇટ દ્વારા જારી કરાયેલા રિપોર્ટની આગમાં શેકાઇ રહ્યું હતું ત્યારે જ વીજળી ઉત્પાદનથી બંદરો સુધી પોતાની વેપારજાળ ફેલાવીને બેઠેલા અદાણી ગ્રુપે ધડાકો કર્યો હતો કે તે એક બહુ ઓછી જાણીતી કંપની વિશ્વપ્રધાન કોમર્શિયલ પ્રાઇવેટ લિમિટેડ(VCPL)ને ટેક ઓવર કરી રહ્યું છે. પરંતુ આ ટેકઓવરે ભારત અને વિશ્વમાં સ્વતંત્ર મીડિયાના હિમાયતીઓમાં જાણે કે ભૂકંપ લાવી દીધો હતો અને ભારતમાં સ્વતંત્ર અને ટીકાત્મક પત્રકારત્વ માટે જાણીતી ન્યૂઝ ચેનલ એનડીટીવી પર નિયંત્રણ મેળવવા ગૌતમ અદાણી માટે માર્ગ મોકળો બનાવી દીધો હતો. 22મી ઓગસ્ટે ગૌતમ અદાણીની એએમજી મીડિયા નેટવર્ક પ્રાઇવેટ લિમિટેડે નેક્સટ્વેવ ટેલિવેન્ચર્સ પ્રાઇવેટ લિમિટેડ અને એમિનન્ટ નેટવર્ક પ્રાઇવેટ લિમિટેડ પાસેથી રૂપિયા 113.74 કરોડના ખર્ચે VCPLમાં 100 ટકા હિસ્સો ખરીદ્યાની જાહેરાત કરી હતી.

એનડીટીવીના પ્રમોટર્સે  જુલાઇ 2009માં VCPL પાસેથી રૂપિયા 375 કરોડની લોન લીધી હતી જેના બદલામાં એનડીટીવીના પ્રમોટર્સ અને VCPL વચ્ચે બે કોલ ઓપ્શન કરાર કરાયાં હતાં જે અંતર્ગત VCPLને એનડીટીવીમાં 1,63,05,404 શેર અથવા તો 26 ટકા હિસ્સો રૂપિયા 214.65 પ્રતિ શેરના હિસાબે ખરીદવાનો અધિકાર મળ્યો હતો. ત્યારબાદ VCPLએ એનડીટીવીને બીજા રૂપિયા 53.85 કરોડની લોન આપી હતી. પરંતુ અત્યાર સુધી VCPLએ એનડીટીવીના પ્રમોટર્સની RRPRમાં કોઇપણ હિસ્સાનો અધિકાર મેળવ્યો નહોતો તેના કારણે પ્રણવ રોય અને તેમની પત્ની રાધિકા રોય કોઇપણ પ્રકારના પડકાર કે ટેકઓવરના ભય વિના કંપનીનું સંચાલન કરી રહ્યાં હતાં.

ગૌતમ અદાણીએ ભારતીય મીડિયામાં સત્તાવાર એન્ટ્રી માટે પાછલા બારણે એન્ટ્રીનો રસ્તો અપનાવ્યો છે. અદાણીની નજર હવે એનડીટીવીના ટેકઓવર પર છે પરંતુ શેર ટ્રાન્સફરના ટેકનિકલ આંટીઘૂંટીઓ અને એનડીટીવીના પ્રમોટર્સ અને વીસીપીએલ વચ્ચે થયેલા કરારોના મામલે ગૂંચવાડો પેદા થયો છે અને બંને પક્ષ પરસ્પર દાવા કરી રહ્યાં છે. એનડીટીવીનો દાવો છે કે માર્કેટ રેગ્યુલેટર સેબી દ્વારા તેના પ્રમોટર્સ પ્રણવ રોય અને રાધિકા રોય પર 2020થી ભારતના શેરબજારમાં કોઇપણ શેરના ખરીદવેચાણ પર રોક લગાવવામાં આવી છે તેથી તેઓ અદાણીને શેર ટ્રાન્સફર કરી શક્તા નથી. તે ઉપરાંત અદાણી જૂથ તરફથી એનડીટીવીના પ્રમોટર્સને ટેકઓવરની કોઇ નોટિસ પણ પાઠવવામાં આવી નથી. બીજીતરફ અદાણી જૂથે આ દાવાને ફગાવી દેતાં જણાવ્યું છે કે એનડીટીવીના પ્રમોટર્સની દલીલો પાયાવિહોણી અને કાયદાકીય રીતે ટકી શકે તેમ નથી. તેમની ઇન્વેસ્ટમેન્ટ કંપની પર કોઇ રેગ્યુલેટરી નિયંત્રણો નથી તેથી તેમણે તાત્કાલિક પોતાની જવાબદારી સ્વીકારીને અદાણી જૂથને તેના અધિકાર પ્રમાણેના શેર ટ્રાન્સફર કરી દેવા જોઇએ. કાયદાકીય નિષ્ણાતોનું માનવું છે કે આ જંગ લાંબો ચાલી શકે છે અને બંને દાવેદારો સેબી અથવા તો કોર્ટના દ્વાર ખખડાવી શકે છે. 

એનડીટીવી પર કબજો જમાવવા અદાણીના ગણતરીપુર્વકના પગલાં

કોર્પોરેટ લો એક્સપર્ટ સિદ્ધાર્થ મોદી કહે છે કે જે રીતે ઘટનાક્રમ સામે આવ્યો છે તે જોતાં એમ લાગી રહ્યું છે કે અદાણીએ એનડીટીવીને ટેકઓવર કરવા માટે બહુ જ ગણતરીપુર્વક પગલાં લીધાં છે. રોય દંપતી વીપીસીએલની લોન પરત ચૂકવવાની ઓફર આપી શકે છે પરંતુ તેને સ્વીકારવી કે શેર હિસ્સો મેળવવો એ અદાણીનો સંપુર્ણ અધિકાર છે. અદાણીએ વીપીસીએલની ખરીદી કરીને તરત જ આરઆરપીઆર અને એનડીટીવીમાં હિસ્સાનો દાવો કર્યો છે જે સ્પષ્ટ બતાવે છે કે અદાણી નાણા નહીં પરંતુ એનડીટીવી પર કબજો ઇચ્છે છે.

અદાણીએ એનડીટીવીમાં વધારાનો 26 ટકા હિસ્સો ખરીદવાની ઓપન ઓફર આપી

અદાણી જૂથે વીપીસીએલના અધિકારના 29.1 ટકા હિસ્સાની માગની સાથે સાથે એનડીટીવીમાં વધારાનો 26 ટકા હિસ્સો ખરીદવાની પણ ઓપન ઓફર આપી છે. સેબીના ટેકઓવર નિયમો અનુસાર એનડીટીવીમાં વધારાનો 26 ટકા હિસ્સો ખરીદવાનો અદાણીને કાયદેસર અધિકાર મળે છે. જ્યારે કોઇ કંપની અન્ય કંપનીનો 25 ટકા કરતાં વધુ હિસ્સો અથવા તો બોર્ડમાં મતાધિકાર હાંસલ કરે છે ત્યારે તે વધારાના 26 ટકા હિસ્સાની ખરીદીની ઓફર પણ આપી શકે છે. અદાણી જૂથ એનડીટીવીમાં 29.1 ટકાનો હિસ્સો મેળવવાની તૈયારી કરી ચૂક્યું છે ત્યારે તેની ઓપન ઓફર પણ કાયદેસર રીતે માન્ય છે. એનડીટીવીના પ્રમોટર્સ તેની અવગણના કરી શકશે નહીં. એનડીટીવીના માઇનોરિટી સ્ટેક હોલ્ડર્સ પાસેથી પણ અદાણી વધારાનો હિસ્સો ખરીદી શકે છે. એનડીટીવીના બે માઇનોરિટી સ્ટેક હોલ્ડર આડકતરી રીતે અદાણી સાથે સંકળાયેલા પણ છે. અદાણી તેમનો સંપર્ક કરી શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter