મુંબઇઃ મહાનગર મુંબઈમાં સૌથી વધુ કિંમત ચૂકવીને ઘર ખરીદવાનો રેકોર્ડ ગણતરીના દિવસોમાં જ તૂટી ગયો છે. બિરલા ગ્રૂપે ૪૨૫ કરોડ રૂપિયામાં જટિયા હાઉસ ખરીદીને સૌથી ઊંચી કિંમતની પ્રોપર્ટી ડીલનો વિક્રમ નોંધાવ્યો હતો. જોકે મુંબઈના ચર્ચિત લિંકન હાઉસના સોદાએ આ રેકોર્ડ તોડી નાખ્યો છે. સાઉથ મુંબઈમાં બ્રીચ કેન્ડી સ્થિત લિંકન હાઉસને પૂણેના ઉદ્યોગપતિ સાઈસ પૂનાવાલાએ ૭૫૦ કરોડ રૂપિયામાં ખરીદી લીધો છે.
આ સોદો દેશની આર્થિક રાજધાનીમાં રીઅલ એસ્ટેટ ક્ષેત્રમાં અત્યાર સુધીનો સૌથી મોટો સોદો છે. લિંકન હાઉસ પૂણેના સેરમ ઈન્સ્ટિટ્યૂટના બિલિયોનેર ચેરમેન પૂનાવાલાએ ખરીદ્યું છે. તેનો ઉપયોગ અમેરિકન વાણિજ્ય દૂતાવાસ તરીકે થતો હતો. ૧૯૬૬માં સ્થાપિત સેરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા સાપના ઝેરની સારવાર કરવામાં ઉપયોગી દવાની સૌથી મોટી સપ્લાયર છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર આ સંપત્તિનો ઉપયોગ પૂનાવાલા પોતાના પરિવારના રહેઠાણ તરીકે કરવા માગે છે. આ સંપત્તિ માટે અમેરિકનો ૮૫૦ કરોડ રૂપિયાની માગણી કરી રહ્યાં હતા પણ એટલી રકમ તેમને ન મળી.
ઉલ્લેખનીય છે કે લિંકન હાઉસના સોદના એક એક અઠવાડિયા પહેલાં જ ઉદ્યોગપતિ કુમાર મંગલમ્ બિરલાએ મલબાર હિલ વિસ્તારમાં જટિયા હાઉસ ૪૨૫ કરોડમાં ખરીદ્યું હતું. એ સમયે તેને શહેરના રીઅલ એસ્ટેટ ક્ષેત્રમાં સૌથી મોટો સોદો ગણવામાં આવ્યો હતો.
લિંકન હાઉસ અગાઉ વાંકાનેર હાઉસ તરીકે ઓળખાતું હતું. જે વાંકાનેરના મહારાજા પ્રતાપસિંહજી ઝાલાનો મહેલ હતો. જેને ૧૯૫૭માં અમેરિકાને લીઝ પર આપી દેવાયો હતો અને તેનું નામ બદલીને લિંકન હાઉસ રાખવામાં આવ્યું હતું. આ પછી અમેરિકાએ તેને પોતાનું વાણિજ્ય દૂતાવાસ બનાવ્યું હતું.