અમદાવાદઃ કમ્મરતોડ મોંઘવારીના બોજ વચ્ચે પણ દેશમાં ગ્રાહકોની ખરીદી ચાલુ રહેતા નાણાકીય વર્ષ 2022-23નો આર્થિક વિકાસ દર (ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ કે જીડીપી) અપેક્ષા કરતા વધારે 7.2 ટકા રહ્યો છે. વર્ષના ત્રીજા ક્વાર્ટર એટલે કે ઓક્ટોબરથી ડિસેમ્બર વચ્ચે આર્થિક વૃદ્ધિ 4.5 ટકા રહ્યા બાદ જાન્યુઆરીથી માર્ચના ચોથા ક્વાર્ટરમાં વૃદ્ધિ 6.1 ટકા રહેતા સમગ્ર વર્ષનો આર્થિક વિકાસ દર ઉંચો રહ્યો છે. સમગ્ર વર્ષ માટે કૃષિ (4 ટકા), નાણાકીય સેવાઓ (7.1 ટકા), ટ્રેડ, હોટેલ્સ અને પરિવહન (14 ટકા)ના ઊંચા વિકાસ દરની અસર પણ વિશ્વની સૌથી ઝડપે વિકસી રહેલી ભારતની અર્થવ્યવસ્થા ઉપર જોવા મળી છે. માથાદીઠ આવક ગત વર્ષ કરતા રૂ. 24,978 વધી રૂ. 1,93,044 રહી છે, જે ગત વર્ષ કરતાં 14.9 ટકાની વૃદ્ધિ દર્શાવે છે.
ફેબ્રઆરી 2022માં રશિયા અને યુક્રેન વચ્ચે શરૂ થયેલા યુદ્ધ અને તેના કારણે ઐતિહાસિક ઉંચી મોંઘવારીનો પડકાર વિશ્વ સમક્ષ ઉભો થયો હતો. આ સાથે સાથે વધેલા વ્યાજ દર પણ મોટો પડકાર હતો. આવા અવરોધો છતાં પણ સ્થાનિક ગ્રાહકોની ખરીદીના ટેકે ભારતીય અર્થતંત્રએ પોતાની વિકાસની ગતિ જાળવી રાખી છે. ગ્રાહકોની ખરીદીના ટેકે સતત ત્રીજા વર્ષે દેશનો આર્થિક વિકાસ દર પ્રાથમિક અંદાજો અને અર્થશાસ્ત્રીઓની વર્ષની શરૂઆતની ગણતરી કરતાં ઉંચો આવ્યો છે.