મુંબઈઃ ભારતીય અર્થતંત્રમાં મોદી સરકારના સારા ઇરાદાઓ અને વિઝનને લીધે આશાવાદ જરૂર વધ્યો છે, પરંતુ દેશમાં આર્થિક પ્રવૃત્તિઓને વેગ મળતાં વધુ એક વર્ષનો સમય લાગશે. ભારતની નંબર વન ઇન્ફ્રાસ્ટ્રકચર કંપની એલએન્ડટીના એક્ઝિક્યુટિવ ચેરમેન અનિલ નાયકનો આ અભિપ્રાય છે.
દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરની વૃદ્ધિ ફંડ્સની ઉપલબ્ધતા પર આધાર રાખશે એમ કહીને તેમણે ઉમેર્યું હતું કે અર્થતંત્રમાં રિકવરીની આશાએ એલએન્ડટી ફરી ભારત પર ધ્યાન કેન્દ્રિત કરવા સક્રિય છે.
અગ્રણી બિઝનેસ ડેઇલી ‘ઇકોનોમિક ટાઇમ્સ’ને આપેલા ઇન્ટરવ્યૂમાં નાયકે જણાવ્યું હતું, 'અમે અમારા વૈશ્વિક બિઝનેસમાં થોડોક ઘટાડો કરીશું અને ભારત ખાતેના પ્રોજેક્ટ્સ પર ધ્યાન કેન્દ્રિત કરીશું. ભારતીય બિઝનેસ સારો હોય ત્યારે અમે ટર્નઓવરમાં ૨૫ ટકા વૈશ્વિક હિસ્સાની આશા રાખીએ છીએ. જોકે, છેલ્લાં કેટલાંક વર્ષમાં ભારતનો માહોલ મંદ હતો ત્યારે અમારા વૈશ્વિક બિઝનેસનો હિસ્સો વધીને ૩૫ ટકા થયો હતો.'
મોટા ભાગની એન્જિનિયરિંગ કંપનીઓની ઓર્ડરબુકમાં ઘટાડો થઇ રહ્યો છે ત્યારે મિડલ-ઇસ્ટમાં વિસ્તરણની એલએન્ડટીની નીતિએ તેને ૧૫-૨૦ ટકાનો વૃદ્ધિદર હાંસલ કરવામાં મદદ કરી છે. નાયકે આ ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, તેમને સ્થાનિક ઓર્ડરમાં વૃદ્ધિની ધારણા છે. ઉપરાંત, કંપની જે સેક્ટર્સમાં હાજરી ધરાવે છે તેમાં ૨૦૧૬-૧૭ સુધીમાં રિકવરી જોવા મળશે. માત્ર વીજ સેક્ટરને ચેતનવંતુ થતાં હજુ બેથી ત્રણ વર્ષનો સમય લાગશે.
તેમણે કહ્યું હતું, 'આજે આપણે એવા સ્તરે છીએ જ્યાંથી સ્થિતિ વધુ ખરાબ થઈ શકે તેમ નથી અને જો એવું થશે તો દેશ માટે એ પ્રતિકૂળ સંકેત હશે.' તેમણે વધુમાં જણાવ્યું હતું, 'અગાઉ પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપમાં ઘણાને નુકસાન થયું છે. હવે નિશ્ચિત વળતરની ખાતરી નહીં મળે તો ચારથી પાંચ ઔદ્યોગિક ગૃહો સિવાય કોઈ આ પ્રોજેક્ટ્સમાં ભાગ લેશે નહીં.'
મોટા ભાગની ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઓની નાણાકીય સ્થિતિને જોતાં સરકાર કેશ કોન્ટ્રેક્ટ પર ભાર મૂકી રહી છે. ખાસ કરીને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા અપાતા એન્જિનિયરિંગ, પ્રોક્યોરમેન્ટ અને કન્સ્ટ્રક્શન (ઇપીસી) કોન્ટ્રેક્ટમાં આ પ્રકારની નીતિ અપનાવાઇ રહી છે.
નાયકે કહ્યું હતું, '૧૦,૦૦૦ બિલિયન ડોલરનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવું હોય તો વર્ષે ૨૦૦ બિલિયન ડોલરની જરૂર પડે. આ નાણાં ક્યાંથી આવશે?' નાયકના મતે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વૃદ્ધિને પ્રોત્સાહિત કરવા ભારતને લાંબા ગાળાના પેન્શન ફંડ્સની જરૂર પડશે. જોકે, આ ભંડોળ આકર્ષવા માટે ઘણું ઊંચું ગેરંટેડ વળતર ઓફર કરવું પડશે. નાયકના જણાવ્યા અનુસાર ભારત અને ચીનના ઇન્ફ્રાસ્ટ્રક્ચર વચ્ચે ૨૦-૨૫ વર્ષનો તફાવત છે.