નવી દિલ્હીઃ ભારત સરકારે ફ્લિપકાર્ટ અને સ્નેપડીલ જેવી ઇ-કોમર્સ કંપનીઓને રાહત આપતાં સ્પષ્ટતા કરી છે કે ઓનલાઇન માર્કેટપ્લેસ કંપનીઓમાં ૧૦૦ ટકા સીધું વિદેશી મૂડીરોકાણ (એફડીઆઇ) કરવાની મંજૂરી છે. ઇ-કોમર્સ કંપનીઓના બિઝનેસ મોડલ અંગે અનિશ્ચિતતા દૂર કરીને ‘માર્કેટ પ્લેસ’ને સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત કરવાની સાથોસાથ સરકારે જણાવ્યું છે કે ચોક્કસ શરતોને આધીન રહીને ઓટોમેટિક રૂટથી ૧૦૦ ટકા એફડીઆઇ ઉપલબ્ધ છે.
અગાઉ એવો આક્ષેપ થતો હતો કે વિદેશી ફંડ મેળવતા ઓનલાઇન રિટેલર્સ બિઝનેસ-ટુ-કસ્ટમર સેલ્સમાં સામેલ છે જેના માટે હાલની નીતિમાં મંજૂરી અપાયેલી નથી. અત્યારની નીતિ પ્રમાણે બીટુબી (બિઝનેસ-ટુ-બિઝનેસ) ઓનલાઇન સેલ્સમાં ૧૦૦ ટકા એફડીઆઇની મંજૂરી છે પરંતુ બીટુસી (બિઝનેસ-ટુ-કસ્ટમર) સેલ્સ કરતી કંપનીઓમાં વિદેશી મૂડીરોકાણ પર પ્રતિબંધ છે.
ઓનલાઇન રિટેલર્સે દાવો કર્યો છે કે તેઓ વેચાણકર્તાઓને માત્ર માર્કેટ પ્લેસ પૂરું પાડે છે. એફડીઆઇ નીતિમાં માર્કેટ પ્લેસને વ્યાખ્યાયિત કરવામાં આવ્યું નથી. એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, ‘અમે કંપનીઓ માટે બિઝનેસ કરવાનું સરળ બનાવવા અને એ સુનિશ્ચિત કરવા માંગીએ છીએ કે તમામ માટે સમાન સ્થિતિ હોય. બીટુસી કોમર્સ અંગે અમારા વલણમાં ફેરફાર થયો નથી, પરંતુ તે સિવાય અમે તમામ અવરોધો દૂર કરવા માંગીએ છીએ.’