અમદાવાદ: ભારત સરકારના આવકવેરા વિભાગે સંભવિત કરદાતા અને વાસ્તવિક કરદાતા વચ્ચેની ખાઈ પૂરવા માટે તાજેતરમાં દેશભરમાં એક વર્ષમાં એક કરોડ નવા કરદાતા ઉમેરવા કવાયત હાથ ધરી હતી, તેની સામે ૭૦ લાખ નવા કરદાતા ઉમેરાયા છે. છેલ્લા એક વર્ષમાં ગુજરાતમાં ૬.૩૦ લાખ નવા કરદાતાઓનો ઉમેરો થયો છે અને હવે રાજ્યમાં કુલ ૪૪.૩ લાખ કરદાતા છે. સમગ્ર દેશના કુલ કરદાતાની સંખ્યા ૪.૪૩ કરોડ છે તે જોતાં દેશના ૧૦ ટકા કરદાતા ગુજરાતી છે.
શહેરમાં ૨૪ મેના રોજ આવકવેરા વિભાગની ઝોનલ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં અધિકારીઓએ જણાવ્યું હતું કે ગયા વર્ષે મે મહિનામાં દેશમાં કરદાતાની સંખ્યા ૩.૭૬ કરોડ હતી તે આ વર્ષે મે મહિનામાં વધીને ૪.૪૩ કરોડ થઈ છે. રાજસ્થાન, ગુજરાત, ગોવા અને મહારાષ્ટ્રમાં મહત્તમ નવા કરદાતા ઉમેરાયા છે.
ગયા વર્ષે મે મહિનામાં ગુજરાતમાં લગભગ ૩૮ લાખ કરદાતા હતા, તેમાં એક વર્ષમાં ૬.૩૦ લાખ કરદાતાનો ઉમેરો થયો છે અને રાજ્યના કુલ કરદાતાઓની સંખ્યા ૪૪.૩ લાખ પર પહોંચી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસે (સીબીડીટી) ગુજરાતના આવકવેરા વિભાગને વર્ષમાં નવા ૭.૮૬ લાખ કરદાતા ઉમેરવાનો ટાર્ગેટ આપ્યો હતો.
સીબીડીટીના મેમ્બર આર. સી. મિશ્રાને ટાંકીને એક અહેવાલમાં જણાવાયું હતું કે ૧ જૂનથી કાળું નાણું જાહેર કરવા માટે શરૂ થઈ રહેલી ઇન્કમ ડેક્લેરેશન સ્કીમને સારો પ્રતિસાદ મળશે તેવી અપેક્ષા છે. બજેટમાં નાણા પ્રધાન અરુણ જેટલીએ આ યોજનાની જાહેરાત કરી હતી, જે મુજબ કોઈ પણ વ્યક્તિ ૪૫ ટકા ટેક્સ અને પેનલ્ટી ભરીને પોતાનાં કાળાં નાણાં જાહેર કરી શકશે અને વિભાગ દ્વારા તેની તપાસ કરવામાં આવશે નહીં. આ યોજના ચાર મહિના સુધી અમલમાં રહેશે અને આવકવેરા કાયદા તથા વેલ્થ ટેક્સ કાયદા હેઠળ કામ ચલાવવા સામે કાળું નાણું જાહેર કરનારાને રક્ષણ મળશે.