મુંબઇઃ ભારતે પ્રથમ વખત વિશ્વમાં સૌથી વધારે બિલિયોનેર પેદા કરનારા ટોચના ત્રણ દેશોની યાદીમાં સ્થાન મેળવ્યું છે. હુરુન ગ્લોબલ રિચ લિસ્ટ-ઇન્ડિયા ૨૦૧૫ની યાદીમાં ભારતમાં રિલાયન્સ જૂથના મુકેશ અંબાણીને દેશની સૌથી વધારે શ્રીમંત વ્યક્તિનું સ્થાન મળ્યું છે. ઇન્ડિયા લિસ્ટમાં ૬૦૦૦ કરોડ રૂપિયાની કટ ઓફ વેલ્થ સાથે દેશના તમામ શ્રીમંતોની વિગતો રજૂ કરવામાં આવેલી છે.
દેશના અબજોપતિઓની આ યાદીમાં મુકેશ અંબાણી ૧.૨ લાખ કરોડ રૂપિયા સાથે પહેલા અને સન ફાર્માના દિલીપ સંઘવી અંદાજે ૧.૦૨ લાખ કરોડની સંપત્તિ સાથે બીજા સ્થાને છે. જ્યારે પેલોનજી મિસ્ત્રી અને ટાટા સન્સ પરિવાર ૯૬,૦૦૦ કરોડ રૂપિયાની કુલ સંપત્તિ સાથે ત્રીજા સ્થાને છે.
રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે ગત વર્ષ એનર્જી ક્ષેત્રના માંધાતા મનાતા મુકેશ અંબાણી માટે ખૂબ જ વ્યસ્ત રહ્યું હતું, જેમની ફ્લેગશિપ કંપની રિલાયન્સે પોતાની વર્તમાન રિફાઇનરીના વિસ્તાર માટે ૭૮,૦૦૦ કરોડ રૂપિયાની મંજૂરી માગી હતી. અંબાણીએ આ સાથે જ દેશના સૌથી મોટા મીડિયા સમૂહો પૈકીના એક ‘નેટવર્ક ૧૮’ને પણ ૪૨૦૦ કરોડ રૂપિયાના ખર્ચે હસ્તગત કર્યું હતું.
હુરુન ગ્લોબલ રિચ લિસ્ટ રિપોર્ટ કંપનીની ભારતના કોચી સ્થિત ઓફિસ દ્વારા તૈયાર કરાયો છે. જેમાં જણાવ્યા પ્રમાણે ભારતને પહેલી વાર વિશ્વમાં સૌથી વધારે બિલિયોનેર ધરાવતા ટોચના ત્રણ દેશોમાં સ્થાન મળ્યું છે. આ યાદીમાં અમેરિકા પહેલા સ્થાને છે, જ્યારે ચીન બીજા અને ભારત ત્રીજા સ્થાને છે. ભારતે રશિયા અને બ્રિટનને પાછળ રાખતા મોટો કૂદકો લગાવીને ત્રીજું સ્થાન મેળવ્યું છે.
ભારતે ગયા વર્ષમાં ઈંગ્લેન્ડ અને રશિયાને પાછળ રાખ્યા હતા. ભારતીય બજાર વર્ષ ૨૦૧૪માં ૩૦ ટકાના દરે વધ્યું હતું. તેથી ઉદ્યોગપતિઓની સંપત્તિનું મૂલ્ય વધ્યું. બીજી તરફ રશિયા અને ઈંગ્લેન્ડમાં સુસ્તી હતી. રશિયાના મોટા ભાગના બિલિયોનેર ઓઈલ અને ગેસના વેપાર સાથે સંકળાયેલા છે. રશિયન ચલણ રુબલ નબળું પડતાં તેની ગંભીર અસર થઈ છે. તેમની સંપત્તિનું મૂલ્ય ૬૦ ટકા જેટલું ઘટ્યું છે.
જોકે ગેટ્સ આજેય સૌથી ધનાઢય
આશરે ૮૫ બિલિયન ડોલર (આશરે ૫.૧ લાખ કરોડ રૂપિયા)ની સંપત્તિ સાથે માઇક્રોસોફ્ટના વડા બિલ ગેટ્સ આજે પણ વિશ્વના સૌથી શ્રીમંત વ્યક્તિ છે. કાર્લોસ સ્લીમ ૮૩ બિલિયન ડોલર (આશરે રૂ. ૪.૫૮ લાખ કરોડ) સાથે બીજા સ્થાને, વોરેન બફેટ ૭૬ બિલિયન ડોલર (આશરે રૂ. ૪.૫૬ લાખ કરોડ) સાથે ત્રીજા ક્રમે છે.