નવી દિલ્હીઃ છેલ્લાં પાંચ વર્ષમાં બેન્કો વિરુદ્ધ ૩.૭૦ લાખથી પણ વધુ ફરિયાદો નોંધાઇ છે. આમાં પણ સૌથી વધુ ૧.૦૨ લાખ ફરિયાદો સરકારી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇંડિયા (એસબીઆઈ) સામે થઈ છે. આ માહિતી રમેશ શર્મા નામની એક વ્યક્તિ દ્વારા થયેલી આરટીઆઈ અરજીના જવાબમાં જાણવા મળી છે.
વર્ષ ૨૦૦૯-૧૦થી ૨૦૧૩-૧૪ દરમિયાન ૧૫ બેન્કિંગ ઓમ્બ્ડસમેનને ૩,૭૦,૫૪૩ ફરિયાદો મળી હતી. ૨૦૧૩-૧૪ દરમિયાન સરકારી, ખાનગી અને ભારતમાં કાર્યરત વિદેશી બેન્કોની સામે ૭૬,૫૭૩ ફરિયાદો થઈ હતી. આમાંથી સૌથી વધુ ૨૧,૨૦૬ ફરિયાદ ભારતની સૌથી મોટી બેન્ક એસબીઆઈ સામે હતી. આ વર્ષમાં સરકારી બેન્કોની કેટેગરીમાં સૌથી ઓછી ફરિયાદ પંજાબ અને સિંધ બેન્ક (પીએનબી)ની સામે થઈ હતી.
ભારતમાં કાર્યરત વિદેશી બેન્કોમાં સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડની સામે સૌથી વધુ ૩૩૫૭ ફરિયાદો થઈ હતી જ્યારે સૌથી ઓછી ફરિયાદ પીએનબી પારિબા, સ્ટેટ બેંક ઓફ મોરિશસ અને જેપી મોર્ગન ચેઝ બેન્ક નેશનલ એસોસિએશન સામે થઈ હતી. આ પ્રત્યેક બેન્ક સામે એક-એક ફરિયાદ થઈ હતી એવી માહિતી આરટીઆઈ અરજી દ્વારા બહાર આવી છે. ખાનગી બેન્કોમાં આઈસીઆઈસીઆઈ બેન્ક સામે ૨૦૧૩-૧૪ દરમિયાન સૌથી વધારે ૫૩૨૫ ફરિયાદો થઈ હતી જ્યારે સૌથી ઓછી માત્ર ૧૫ ફરિયાદો નૈનિતાલ બેન્ક સામે થઈ હતી.