નવી દિલ્હીઃ ભારત અને ચીન એવા દેશો છે જ્યાંથી સૌથી વધુ બિલિયોનેર્સ વિદેશમાં સ્થાયી થઈ જાય છે. છેલ્લાં ૧૪ વર્ષમાં ભારતના ૬૧ હજારથી વધુ સુપર રિચ (હાઈ નેટવર્થ ઈન્ડિવિજ્યુઅલ્સ) સ્વદેશ છોડીને યુએઈ, બ્રિટન, અમેરિકા, ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં જઇ વસ્યા છે.
આ સમાન સમયગાળામાં જ પોતાનો દેશ છોડી જનારાઓમાં ચાઈનીઝ સુપર રિચની સંખ્યા ભારત કરતાં પણ વધુ લગભગ ૯૧ હજાર જેટલી રહી છે. એક સર્વેમાં જણાવાયું છે કે અમેરિકા, હોંગ કોંગ, સિંગાપોર અને બ્રિટન ચાઈનીઝ કંપનીઓના પસંદગીનાં સ્થળો છે.
જોહાનિસબર્ગ સ્થિત કન્સલ્ટન્સી ન્યૂ વર્લ્ડ વેલ્થ દ્વારા થયેલા સર્વેમાં જાણવા મળ્યું હતું કે ચીન અને ભારત ઉપરાંત જે દેશોના બિલિયોનેર્સે વર્ષ ૨૦૦૦થી ૨૦૧૪ દરમિયાન મોટી સંખ્યામાં પોતાનો દેશ છોડ્યો છે તેમાં ફ્રાન્સ (૪૨ હજાર), ઈટલી (૨૩ હજાર), રશિયા (૨૦ હજાર), ઈન્ડોનેશિયા (૧૨ હજાર), સાઉથ આફ્રિકા (૮ હજાર) અને ઈજિપ્ત (૭ હજાર) સામેલ છે. સર્વેમાં જાણવા મળ્યું છે કે ૨૧મી સદીની શરૂઆતથી જ સેકન્ડ સિટિઝનશીપની અરજીઓમાં વધારો થયો છે. વર્ષ ૨૦૧૪માં અમેરિકા ૪૧,૦૫,૦૦૦ કરોડપતિઓ સાથે ધનાઢયોની યાદીમાં વિશ્વમાં અવ્વલ રહ્યું છે.
યુકે વિશ્વના બિલિયોનેર્સનું હબ
વિશ્વભરના ધનાઢયોમાં વસવાટ માટે યુકેનું વિશેષ આકર્ષણ જોવા મળે છે, અને યુકેમાં લંડન તેમની પસંદગીનું સ્થાન છે. ભાષા, શહેરની આંતરરાષ્ટ્રીય સંસ્કૃતિ, મુસાફરીમાં આસાની, દેશમાં પૈસા લાવવામાં સરળતા, પ્રોપર્ટી ખરીદવામાં આસાની અને ગુણવત્તાયુક્ત સ્કૂલ તથા યુનિવર્સિટીની ભરમારને કારણે અમીરોની પસંદગીનો તે દેશ બન્યો છે.