નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ભારતીય ઉદ્યોગજગતના ધુરંધરોને સંબોધતા જોખમ ખેડીને મૂડીરોકાણ વધારવાનું આહવાન કર્યું હતું. દેશના ટોચના ઉદ્યોગપતિઓ, બેન્કરો, પ્રધાનો અને અધિકારીઓ સાથે વડા પ્રધાનના નિવાસસ્થાન પર ત્રણ કલાક ચાલેલી બેઠકમાં નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ઉદ્યોગજગતે જોખમ લઇને રોકાણ વધારવું જોઇએ. લાભ ઉઠાવવાનો અને રોકાણ કરવાનો સમય આવી ગયો છે.
હું નથી જાણતો કે કેટલા લોકો આગળ આવશે અને રોકાણ કરશે. આમ કહીને તેમણે ચીનની પીડાને ભારતના લાભમાં પરિવર્તિત કરવાની હાકલ કરી હતી. વડા પ્રધાને ઉદ્યોગજગતને ચીનમાં પ્રવર્તી રહેલી મંદીનો લાભ ઉઠાવવાનો અનુરોધ કરતાં જણાવ્યું હતું કે ચીની બજારમાં વ્યાપેલી મંદીનો ભારતીય ઉદ્યોગજગતે લાભ ઉઠાવીને ચીનની પીડાને ભારતનો લાભ બનાવી દેવી જોઇએ.
અલબત્ત, ભારતના ઉદ્યોગજગતના માંધાતાઓનું માનવું છે કે ચીનની પીડાને ભારતનો લાભ બનાવવાનું સહેલું નથી કારણ કે મોદીએ સત્તા સંભાળી ત્યારથી આર્થિક સુધારામાં વેગ આવ્યો નથી. જૂનમાં સમાપ્ત થયેલા ત્રિમાસિકમાં ભારતનો વૃદ્ધિદર ઘટીને ૭ ટકા પર આવી ગયો છે.
આ બેઠકમાં ઉદ્યોગજગતના આગેવાનોએ વ્યાજદર ઘટાડવાની જોરદાર તરફેણ કરીને પોતાની ૧૨ માગણીઓ સરકારને સોંપી હતી. આ બેઠકમાં કેન્દ્રીય નાણા પ્રધાન અરુણ જેટલીએ જણાવ્યું હતું કે ભારત વૈશ્વિક મંદીમાં ઓછા અસરગ્રસ્ત થનારા દેશોમાં સામેલ હશે. પરંતુ સરકારે અર્થતંત્રને મજબૂત કરતા પગલાં લેવાં પડશે.
કોર્પોરેટ ક્ષેત્રના દિગ્ગજોની હાજરી
• સુમિત મઝુમદાર (સીઆઇઆઇ - કન્ફેડરેશન ઓફ ઇંડિયન ઇન્ડસ્ટ્રીઝ) • રાણા કપૂર (એસોચેમ - એસોસિએટેડ ચેમ્બર્સ ઓફ કોમર્સ ઓફ ઇંડિયા) • જ્યોત્સના સૂરી (ફિક્કી - ફેડરેશન ઓફ ઇંડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ ઇન્ડસ્ટ્રીઝ) • મુકેશ અંબાણી (રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ) • સાયરસ મિસ્ત્રી (ટાટા ગ્રૂપ) • કુમાર મંગલમ્ બિરલા (આદિત્ય બિરલા ગ્રૂપ) • સુનિલ ભારતી મિત્તલ (ભારતી એરટેલ) • શશી રુઇયા (એસ્સાર ગ્રૂપ) • અનિલ અંબાણી (એડીએજી ગ્રૂપ) • આનંદ મહિન્દ્રા (મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા) • વાય. સી. દેવેશ્વર (આઇટીસી) • બી. સી. ત્રિપાઠી (ગેઇલ ઇન્ડિયા) • બી. પ્રસાદ રાવ (ભેલ) • ચંદા કોચર (આઇસીઆઇસીઆઇ) • અરુંધતી ભટ્ટાચાર્ય (એસબીઆઇ)