ભારતીય બિઝનેસ અગ્રણીઓ દ્વારા ઈયુમાં રહેવાનું સમર્થન

રુપાંજના દત્તા Tuesday 31st May 2016 15:05 EDT
 

લંડનઃ મલ્ટિમિલિયન પાઉન્ડ બિઝનેસીસથી લઘુ મધ્યમ ઉદ્યોગો અને યુકેમાં હજારો લોકોની રોજગારી આપતી કંપનીઓના ૮૧ બ્રિટિશ ઇન્ડિયન બિઝનેસ અગ્રણીઓએ યુરોપિયન યુનિયનમાં બ્રિટનનું સભ્યપદ ચાલુ તેના સમર્થનમાં ઓપન લેટરમાં સહીઓ કરી છે. આ કંપનીઓમાં ફાઇનાન્સિયલ અને લીગલ સર્વિસ હોસ્પિટાલિટી, કન્સલ્ટન્સી, રીઅલ એસ્ટેટ, હેલ્થ કેર, મીડિયા, ટેકનોલોજી, રીટેઈલ, ફાર્માસ્યુટિકલ્સ, કન્સ્ટ્રક્શન અને મેન્યુફેકચરીંગ ક્ષેત્રોનો સમાવેશ થાય છે. બીજી તરફ યુકેના એમ્પ્લોયમેન્ટ મિનિસ્ટર અને વડા પ્રધાન કેમરનના ઇન્ડિયન ડાયસ્પોરા ચેમ્પિયન પ્રિતી પટેલે વર્કિંગ ફેમિલીઝ પર ઇમિગ્રેશનની અસરના મુદ્દે વડા પ્રધાનની ઝાટકણી કાઢી છે.

પ્રિતી પટેલે કહ્યું હતું કે ડેવિડ કેમરન અને યુરોપ તરફી અન્ય નેતાઓ સામૂહિક માઇગ્રેશનની અસર વિશે દરકાર કરતાં નથી કારણ કે તેઓ ધનવાન છે. અગાઉ ડેવિડ કેમરને કહ્યું હતું કે ઈયુ સભ્યપદના આર્થિક લાભો માટે ઊંચા ઈમિગ્રેશનની કિંમત ચૂકવવી યોગ્ય ગણાશે. રોજગાર પ્રધાને કહ્યું હતું કે ખાનગી હેલ્થકેર આપવા ઊંચી ફી ધરાવતી સ્કૂલો પોસાતી નથી તેવા પરિવારનો સંઘર્ષ રિમેઇન કેમ્પેઇનના નેતાઓના કાને અથડાતો નથી. પ્રિતી પટેલ ૧૯૭૦ના દાયકામાં બ્રિટનમાં આવેલા ભારતીય ગુજરાતીના પુત્રી છે.

બીજી તરફ કેમરને બ્રેક્ઝિટના તરફદારો પર આક્ષેપ મૂક્યો હતો કે જો બ્રિટન ઈયુમાં રહેશે તો યુકેમાં આવનારા તુર્કો ક્રિમિનલ અને ત્રાસવાદી હશે તેવા પ્રચારથી મુસ્લિમોની ઉશ્કેરણી થાય છે. તેઓ જે રીતે લોકોને ભયમાં મૂકવાનો પ્રયાસ કરે છે તેનાથી બ્રિટિશ મુસ્લિમો રોષે ભરાશે. જો કે પ્રિતી પટેલની દલીલ છે કે તુર્કી, આલ્બેનિયા અને અન્ય દેશો ઈયુમાં જોડાશે ત્યારે ઇમિગ્રેશન વધી જશે.

લંડનના પ્રથમ મુસ્લિમ અને એશિયન મેયર અને લેબર પાર્ટીના સાદિક ખાન અને વડા પ્રધાન કેમરન ચૂંટણી પ્રચાર સમયના મતભેદો ભૂલી રિમેઇન કેમ્પેઇનમાં એક સાથે ચાલી રહ્યા છે. ‘બ્રિટિશ ઇન્ડિયન્સ ફોર ઇન’ કેમ્પેઇન જૂથનું સંકલન કરી રહેલા સાંસદ આલોક શર્માએ કહ્યું હતું કે વડા પ્રધાનના ભારત માટેના ઇન્ફ્રાસ્ટ્રકર દૂત તરીકે હું યુકે અને ભારતમાં બિઝનેસ અગ્રણીઓ સાથે નિયમિત વાતચીત કરતો રહું છું. આ ખુલ્લા પત્ર પર સહી કરનારાઓ માને છે કે ઈયુ છોડવાનો યુકેનો મત બ્રિટિશ બિઝનેસીસ, નોકરીઓ અને રોકાણો માટે ખરાબ હશે. બ્રેક્ઝિટથી યુકે બિઝનેસીસને ખરાબ અસર પડશે એટલું જ નહીં આંતરીક રોકાણો પર તેની અસર પડશે. ભારતીય કંપનીઓએ મને માહિતી આપી છે કે રેન્ફરન્ડમનું પરિણામ ન આવે ત્યાં સુધી યુકેમાં ભાવિ રોકાણોના નિર્ણયો મોકૂફ રાખવામાં આવ્યા છે અને જો આપણે ઈયુ છોડવાનો નિર્ણય લઈશું તો ભારતીય કંપનીઓ યુકેમાં રોકાણ કરતાં પહેલાં બે વખત વિચારશે તેવું મોટું જોખમ રહ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter