ભારતીય બેન્કિંગ સેક્ટરમાં અપાર શક્તિ છેઃ મોદી
મુંબઈઃ રિઝર્વ બેંક ઓફ ઇંડિયાની સ્થાપનાને ૮૦ વર્ષ પૂરા થયા તે પ્રસંગે પહેલી એપ્રિલે મુંબઇમાં યોજાયેલા આર્થિક સમાવેશક સંમેલનના ઉદઘાટન સમારોહને સંબોધતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું ભારતીય બેન્કિંગ સેક્ટરમાં અપાર શક્તિ રહેલી છે. તેમણે જણાવ્યું હતું કે હું અહીં ગરીબો, પછાતો, આદિવાસીઓનાં પ્રતિનિધિ તરીકે આવ્યો છું. હું પણ તેમાંનો એક છું. ગરીબોનો હાથ પકડવાની તાકાત બેન્કિંગ ક્ષેત્રમાં છે. હું તેમના વતી માંગવા આવ્યો છું અને તમે મને નિરાશ નહીં કરો એવો વિશ્વાસ છે.
વડા પ્રધાને રિઝર્વ બેંક ઓફ ઇંડિયાને ૨૦૧૯માં, મહાત્મા ગાંધીની ૧૫૦મી વર્ષગાંઠની ઊજવણી, ૨૦૨૨માં દેશની સ્વતંત્રતાની ૧૫૦ વર્ષની ઊજવણી, ૨૦૨૫માં બેંકની ૯૦મી વર્ષગાંઠ અને ૨૦૩૫માં રિઝર્વ બેંકના ૧૦૦ વર્ષની ઊજવણી પ્રસંગો માટે વચગાળાના લક્ષ્યો નક્કી કરવાનું જણાવ્યું હતું.
તેમણે કહ્યું હતું કે ગાંધીજીએ દેશને વિદેશીઓની ચુંગાલમાંથી આઝાદ કરાવવા માટે લડત ચલાવી હતી, પરંતુ આપણે આજે પણ દેશની ચલણી નોટ માટેના કાગળ અને શાહીની વિદેશથી આયાત કરીએ છીએ. આપણે આ કાગળ અને શાહીનું ભારતમાં જ ઉત્પાદન થાય તે માટે પ્રયાસ હાથ ધરવા જોઇએ અને નિર્ધારિત સમયગાળામાં આ ક્ષમતા હાંસલ કરવાનું લક્ષ્ય નક્કી કરવું જોઇએ.
વડા પ્રધાને પ્રધાનમંત્રી જનધન યોજના અને સીધા લાભ હસ્તાંતરણની સફળતા અંગે પણ વાતચીત કરી હતી. તેમણે નાણાકીય સમાવેશની ખાતરી માટે બેન્કિંગ ક્ષેત્રની ભૂમિકાને મહત્ત્વની ગણાવી હતી.