મુંબઈઃ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)એ ૧૦ સંસ્થાઓની સ્મોલ બેન્ક શરૂ કરવાની અરજી મંજૂર કરીને તેમને લાઇસન્સ આપ્યાં છે. આમાંથી મોટા ભાગની સંસ્થાઓ માઇક્રોફાઇનાન્સ ક્ષેત્રે સક્રિય છે. ભારતમાં ૧૯૬૦માં બેન્કોનું રાષ્ટ્રીયકરણ થયા બાદ બેંકિંગ ક્ષેત્રે આ સૌથી મોટું પગલું ગણાય છે.
સ્મોલ બેન્ક માટે લાઇસન્સ મેળવનારી સંસ્થાઓમાં અમદાવાદની દિશા માઇક્રોફિન લિમિટેડ ઉપરાંત પીઇ ફંડ વોરબર્ગ પિંકસનું સમર્થન ધરાવતી એયુ ફાઇનાન્સિયર્સ, ઉજ્જિવન ફાઇનાન્સિયલ, ઉત્કર્ષ માઇક્રોફાઇનાન્સ, જનલક્ષ્મી ફાઇનાન્સિયલ અને જલંધરની કેપિટલ લોકલ એરિયા બેન્ક લિમિટેડનો સમાવેશ થાય છે. કુલ ૭૨ સંસ્થાઓએ અરજી કરી હતી તેમાંથી પૂરતી ચકાસણી અને છણાવટ પછી ૧૦ની પસંદગી કરવામાં આવી છે.
જેમને લાઇસન્સ નથી મળી શક્યા તેમાં અગ્રણી માઇક્રોફાઈનાન્સ કંપની એસકેએસ માઇક્રોફાઈનાન્સ, વિજય ફિનસર્વ (વિક્રમ અકુલા દ્વારા સંચાલિત), દિવાન હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ અને આઇઆઇએફએલ હોલ્ડિંગ્સનો સમાવેશ થાય છે.
સ્મોલ બેન્કો મોટી બેન્કોની જેમ જ ટિપોઝિટ લઇ શકશે અને ધિરાણ આપી શકશે. તેઓ ફોરેન એક્સચેન્જમાં ટ્રેડ કરી શકશે અને મ્યુચ્યુઅલ ફંડ તથા વીમા જેવા ઉત્પાદનો વેચી પણ શકશે. રિઝર્વ બેન્કે જણાવ્યું હતું કે બેંકિંગ સેવા નથી તેવા વિસ્તારોમાં પ્રવેશવું એ મહત્ત્વનું પરિબળ હશે. વિગતવાર ચકાસણીમાં નાણાકીય મજબૂતીનું મૂલ્યાંકન, યોગ્ય બિઝનેસ પ્લાન અને ફિટ એન્ડ પ્રોપર સ્ટેટસનો સમાવેશ થશે.
સ્મોલ બેન્કોની વિશેષતા
• મોટી બેન્કોની જેમ ડિપોઝીટ લઈ શકાશે, ધિરાણ આપી શકાશે, ફોરેન એક્સચેન્જમાં ટ્રેક કરી શકશે. • મ્યુચ્યુઅલ ફંડ, વીમા જેવા ઉત્પાદનો વેચી શકાશે. • મહત્તમ લોન રૂ. ૨૫ લાખથી ઓછી હોવી જોઈએ. • ૧૦ ટકાથી વધુ રકમ સિંગલ ત્રણ ધારકોને નહીં આપી શકે. • ગ્રૂપ માટે મર્યાદા ૧૫ ટકા.