પૂણેઃ બ્રિટનના મલ્ટિ-કલ્ચરલ માહોલમાં ભારતીય ભીંડા ‘એક્ઝોટિક’ શાકભાજી તરીકે વધુને વધુ લોકપ્રિય બની રહ્યાં છે. આ એક એવી ભારતીય શાકભાજી છે કે જેની ભારતમાંથી નિકાસ સતત વધતી રહી છે અને ખેડૂતોને સારું વળતર આપતી આવી છે. જોકે નિકાસકારોને એવી બીક છે કે યુકેના બિનભારતીય સમુદાયમાં બેબી કોર્ન, મરચા વગેરે જેવી ભારતીય શાકભાજીની માગ ઘટી શકે છે, કેમ કે બ્રેક્ઝિટ બાદ વિનિમય દર સંબંધિત પ્રશ્નોના કારણે ભારતીય શાકભાજી મોંઘી બની જવાની શક્યતા છે.
વેપારીઓ અને નિકાસકારોના જણાવ્યા મુજબ આર્થિક સંવેદનશીલતાના માહોલમાં એક્ઝોટિક અને ઓર્ગેનિક ફૂડની માગ ઘટી જાય છે. સાઉથ એશિયન સમુદાય ભાવની પરવા કર્યા વગર તેને ખરીદશે, પણ જે લોકો પ્રયોગ ખાતર ખરીદતા હોય છે તે દૂર થઈ જઈ શકે છે. ભારતીય કેરી, દાડમ અને ભીંડા, બેબી-કોર્ન તથા મરચા જેવી શાકભાજી કેટલાય દેશોના લોકોના મેનુનો એક હિસ્સો હોય છે. ભારતમાંથી યુકેમાં નિકાસ થનારી આ મુખ્ય શાકભાજીઓ છે.
‘પાઉન્ડ સાથેના વિનિમય દરની અસર લાંબા ગાળે જોવા મળશે. યુકેમાં ખાદ્ય ચીજોના ભાવ ઊંચકાશે. આનાથી એક્ઝોટિક વેજિટેબલ્સ અને ફળફળાદિની માગ ઘટશે. ભાવ વધવાથી તેનું વેચાણ ઘટશે,’ એવું કે. બી. એક્સ્પોર્ટસના સીઇઓ કૌશલ ખખ્ખરે જણાવ્યું હતું. ૨૦૧૪-૧૫માં ભારતે ૭,૪૭૪.૧૪ કરોડના ફળ અને શાકભાજીની નિકાસ કરી હતી. આમાં રૂ. ૨,૭૭૧.૩૨ કરોડના ફળો અને રૂ. ૪,૭૦૨.૭૮ કરોડની શાકભાજીનો સમાવેશ થતો હતો.
યુરોપના તમામ દેશો પૈકી ભારતીય શાકભાજી અને ફળફળાદિની નિકાસ માટે બ્રિટન સૌથી મહત્ત્વનો દેશ છે. વર્ષ ૨૦૧૫-૧૬માં ભારતે યુકેમાં રૂ. ૧૮૩ કરોડના તાજા શાકભાજીની નિકાસ કરી હતી. યુકે ભારતીય દ્રાક્ષ અને કેરીની આયાત કરનારો બીજો સૌથી મોટો દેશ છે. વર્ષ ૨૦૧૫-૧૬માં યુકેમાં રૂ. ૨૦૯ કરોડની દ્રાક્ષ અને રૂ. ૩૨ કરોડની કેરીની નિકાસ થઈ હતી.
જોકે કરન્સી સંબંધિત પ્રશ્નોના કારણે માગ ઘટી શકે છે, પરંતુ નિકાસકારોને થોડાક લાભની આશા પણ છે. તેમને ડ્યૂટીમાં થોડી છૂટછાટ મળવાની અપેક્ષા છે. નિકાસકારોને લાગે છે કે સ્વચ્છતા અને રસાયણોના ઉપયોગ સંબંધિત નિયમોમાં પણ થોડી રાહત મળી શકે છે. ‘યુરોપિયન યુનિયનમાંથી બ્રિટન અલગ થયા બાદ નિકાસના નિયમો હળવાં બને એવું અમને લાગે છે,’ એવું ખખ્ખરે જણાવ્યું હતું.