ભીષણ ભૂકંપથી નેપાળના પર્યટન ઉદ્યોગને મોટો આંચકો

Friday 01st May 2015 07:09 EDT
 
 

મુંબઈઃ તાજેતરના વિનાશક ભૂકંપથી નેપાળના ટૂરિઝમ ઉદ્યોગને કમ્મરતોડ ફટકો પડ્યો છે. ગયા વર્ષના ભીષણ હિમપ્રપાતને ભૂલીને નેપાળ પ્રવાસ-પર્યટનની નવી સિઝન માટે તૈયાર થઈ રહ્યું હતું ત્યાં આવેલા ભીષણ ભૂકંપના પગલે પર્યટકો પ્રવાસ રદ કરી રહ્યા છે.
ભારત સહિત વિશ્વભરમાંથી નેપાળની ટૂરનું બુકિંગ કરાવનારા ટ્રાવેલ કંપનીઓમાં ઇન્કવાયરી કરી રહ્યા છે. નેપાળમાં આવેલી વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ, યુનેસ્કો મોન્યુમેન્ટ્સ, બુદ્ધ અને હિંદુ મંદિરો તેમ જ એવરેસ્ટ સહિતના રમણીય પહાડોને નિહાળવા દર વર્ષે મોટી સંખ્યામાં ભારતના પર્યટકો નેપાળની મુલાકાત લે છે.
ઇન્ડિયન એસોસિયેશન ઓફ ટૂર ઓપરેટર્સના સિનિયર વાઇસ પ્રેસિડન્ટ સરબજિત સિંહે જણાવ્યું હતું કે, ‘ભૂકંપને લીધે ઘણા પર્યટનસ્થળોને અસર થઈ છે, રસ્તાઓ સંપૂર્ણ નષ્ટ થઈ ગયા છે અને ઇમારતોને નુકસાન થયું છે.’
નેપાળમાં ૨૦૧૩માં ૭,૯૭,૬૧૬ પર્યટકો આવ્યા હતા. જેમાં ભારતના પર્યટકો સૌથી વધુ હતા. નેપાળ ટૂરિઝમ ઉદ્યોગના ૨૦૧૩માં જારી કરાયેલા અહેવાલ પ્રમાણે ૨૦૦૯માં ૯૩,૮૮૪થી વધીને ભારતના પર્યટકોની સંખ્યા ૨૦૧૩માં ૧,૮૦,૯૭૪ થઈ છે અને પર્યટકોની સંખ્યાની બાબતમાં નંબર વન રહ્યું છે. નેપાળમાં પર્યટનની શરૂઆત એપ્રિલથી થાય છે.
ડોમેસ્ટક ટૂર ઓપરેટિંગ કંપની કુઓની ઇન્ડિયાના જનરલ મેનેજર લક્ષ્મીકાંત પાટિલે જણાવ્યું હતું કે, ‘નુકસાનના પ્રમાણને જોતાં નેપાળના ટૂરિઝમ ઉદ્યોગને બેઠો કરવાનો પડકાર ઘણો મોટો રહેશે.’ ટ્રાવેલ કંપનીઓ અને ટૂર ઓપરેટર્સના જણાવ્યા અનુસાર, શનિવારના ભૂકંપ પછી ટૂર રદ કરવા કે સમયમાં ફેરફાર કરવા ધસારો વધ્યો છે. ટ્રાવેલ પોર્ટલ યાત્રા.કોમના નેપાળનાં ૯૦ ટકા ઉનાળુ બુકિંગ રદ થયાં છે. લીઝર ટ્રાવેલ ફર્મ ટીયુઆઇ ઇન્ડિયાના નેપાળની ટૂરના લગભગ ૮૦ ટકા બુકિંગ રદ થયાં છે.
ટીયુઆઇ ઇન્ડિયાના સીઇઓ વિશાલ સિંહાએ જણાવ્યું હતું કે, ‘સ્થિતિ સામાન્ય થતાં કેટલો સમય લાગશે તે હજુ સ્પષ્ટ નથી. એટલે આ વખતે પર્યટકોની સંખ્યામાં ઘટાડો થશે કારણ કે આગામી કેટલાક મહિનામાં કોઈ નવાં બુકિંગ થવાની શક્યતા નથી.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter