ભૂકંપગ્રસ્ત નેપાળની મદદે ભારતીય કંપનીઓ

Thursday 30th April 2015 06:41 EDT
 
 

મુંબઈઃ ભૂકંપના વિનાશક આંચકાથી તહસનહસ થઇ ગયેલા નેપાળમાં ભારત સરકારે વિદેશની ધરતી પરનું અત્યાર સુધીનું સૌથી મોટું અને મોઘું રાહત-બચાવ અભિયાન હાથ ધર્યું છે, જેમાં ભારતીય કોર્પોરેટજગતે પણ મદદનો હાથ લંબાવ્યો છે. મહાકાય ઔદ્યોગિક જૂથોથી લઈને નવીસવી કંપનીઓએ રાહત અને બચાવ અભિયાનમાં મદદરૂપ થવા તત્પરતા દાખવી છે. કંપનીઓ માનવબળ પૂરું પાડવું, નાણાકીય સહાય કરવી અને રાહતસામગ્રી પહોંચાડવા સહિતના કામમાં જોતરાઈ ગઈ છે. ધાબળાથી લઈને પીવાલાયક પાણી અને દવાથી લઈને ખાદ્યવસ્તુઓ પહોંચાડવા ઉપરાંત સસ્તા ટેલિફોન દર અને સસ્તાં હવાઈભાડાં જેવી વિવિધ કંપનીઓ કરી રહી છે.
ધરતીકંપનો ભોગ બનેલા લોકો માટે ગોદરેજ ઈન્ડસ્ટ્રીઝના કર્મચારીઓ તેમનો એક દિવસનો પગાર આપશે અને અસરગ્રસ્તોના પુનઃસ્થાપન અને પુનઃ નિર્માણ કાર્યમાં પણ સહાય કરશે એમ કંપનીના પ્રવક્તાએ કહ્યું હતું. કોકા-કોલાએ રવિવારે એક લિટર કિન્લે મિનરલ વોટરના ૧૦,૦૦૦ કેસ મોકલ્યા હતા. એટલું જ નહીં, અસરગ્રસ્ત વિસ્તારો સુધી પાણી પહોંચાડવા માટે કંપની નવા વિકલ્પો શોધી રહી છે.
ટાટા સન્સના પ્રવક્તાએ કહ્યું હતું કે કંપની રાહતકામમાં લાગેલી સરકારી એજન્સીઓ સાથે સતત સંપર્કમાં છે. ટાટા ગ્રૂપની આઈટી કંપની ટીસીએસના અધિકારીએ કહ્યું હતું કે, કંપનીએ અસરગ્રસ્તોને નાણાંકીય સહાય પૂરી પાડવા માટેની યોજનાઓ અમલમાં મૂકી રહી છે. પુનઃ વસવાટમાં મદદરૂપ થવા માટે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ગ્રૂપે નેપાળમાં તેના સ્થાનિક ડિસ્ટ્રિબ્યુટરને ટ્રેક્ટર અને પિક-અપ વાહનો આપવાની ઓફર કરી છે. ગ્રૂપના ચેરમેન અને એમડી આનંદ મહિન્દ્રાએ કહ્યું હતું કે નેપાળમાં ધરતીકંપનો ભોગ બનેલા લોકોને આપણી વિનમ્ર સહાયથી મદદ મળે તેવી આશા રાખીએ અને નેપાળ તથા ભારતના અસરગ્રસ્ત પ્રદેશોમાં જેમ બને તેમ ઝડપથી સામાન્ય જનજીવન ધબકતું થાય તેવી પ્રાર્થના કરીએ છીએ.
સિગારેટ અને કન્ઝ્યુમર ગુડ્ઝ બનાવતી કંપની આઈટીસીની પેટા-કંપની સૂર્યા નેપાલે બે લાખ ફૂડ પેકેટ્સ મોકલ્યાં છે. નેપાળમાં મોખરાનું સ્થાન ધરાવતી આ કંપની તેના સનફિસ્ટ બિસ્કીટ અને યિપ્પી ઈન્સ્ટન્ટ નૂડલ્સનો નવ ટન જથ્થો પણ મોકલી રહી છે.
આ ઉપરાંત ઈમામી, પેપ્સિકો, રસના અને ડાબર જેવી એફએમસીજી કંપનીઓ નેપાળમાં સારો એવો બિઝનેસ ધરાવે છે અને તેઓ પણ સક્રિય થઈ ગઈ છે. નેપાળમાં ડાબરની પેટા-કંપની વર્ષે રૂ. ૨૦૦ કરોડથી પણ વધારે બિઝનેસ કરે છે. તેણે જ્યુસ અને ગ્લુકોઝનો જથ્થો મોકલ્યો છે. નેપાળમાં રૂ. ૪૦ કરોડ જેટલો બિઝનેસ ધરાવતી ઈમામીએ ધાબળા અને દવાઓ જેવી જરૂરી ચીજવસ્તુઓ સાથે સ્વયંસેવકોની ફોજ ઉતારી છે. અમદાવાદની રસના નેપાળમાં સાત ટન ગ્લુકોઝ પાઉડર અને મિલ્કશેક મિક્સનો જથ્થો મોકલશે.
નાની કંપનીઓ પણ મદદ કરવા માટે આગળ આવી છે. ડ્રોન બનાવતી આઈડિયા ફોર્જ નામની સ્ટાર્ટઅપે કાઠમાંડુ અને અન્ય ગામડાંમાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની સાથે માનવરહિત એરિયલ વ્હિકલ સિસ્ટમ મોકલી છે. પેમેન્ટ વોલેટ ઓક્સિજને નેપાળના અસરગ્રસ્તો માટે પહેલી મેના રોજથી પ્રત્યેક દિવસે તેના દૈનિક ટ્રાન્ઝેક્શનનો એક ટકો અસરગ્રસ્તોની સહાયમાં ફાળવવાની ઓફર કરી છે. પેટીએમ નામની અન્ય એક કંપની કૂપન ઓફર કરી રહી છે, જેનો ઉપયોગ કરીને વપરાશકારો અસરગ્રસ્તોને સહાય પહોંચાડી શકશે. તમે રિચાર્જ કરાવતી વખતે અથવા બિલ ચૂકવતી વખતે નેપાળ કૂપન પસંદ કરશો તો આવા બચાવકાર્યમાં ફાળો આપી શકશો. આ કૂપનના ભાવ રૂ. ૧૦થી લઈને રૂ. ૧૦,૦૦૦ સુધીના છે. પેટીએમને જેટલું દાન મળશે તેટલી રકમ કંપની પોતે ઉમેરશે અને ભારત સરકારના રાહત ફંડમાં જમા કરશે.
ઓનલાઈન શોપિંગ વેબસાઈટ શોપક્લુસે પણ તેની વેબસાઈટ પર ડોનેશન પેજ મૂક્યું છે અને ગ્રાહકો તરફથી જેટલી રકમ દાનમાં મળશે તેટલી જ રકમ પોતે સહયોગ તરીકે આપશે.
ટેલેન્ટ એસેસમેન્ટ અને એનાલિટિક્સ કંપની Jombayએ મદદ માટે અનોખો રસ્તો શોધ્યો છે. તે નેપાળમાં એક કરોડ યુઝર ધરાવતી મોબાઈલ ચેટ કમ્યુનિટી mig33 સાથે ભાગીદારીમાં નેપાળમાં વિદ્યાર્થીઓ માટે કાઉન્સેલિંગ ચેટ રૂમ ચલાવશે. આ ઉપરાંત પૂણેમાં ચોકીદાર તરીકે કામ કરતા નેપાળના ૨૫ લોકોને તેમના ગામ સુધી મોકલવા માટે કંપની આર્થિક મદદ પણ કરશે અને મેડિકલ તથા ફૂડ સપ્લાય પણ મોકલશે.
સ્પાઈસજેટે કાઠમાંડુની તેની સાંજની ફ્લાઈટ્સના બેઝ ફેર સોમવારથી બે દિવસ માટે ઘટાડ્યા છે. નેપાળમાં ફસાયેલા પ્રવાસીઓને બહાર કાઢવામાં મદદરૂપ થવા માટે સ્પાઈસજેટે વધારાના વિમાન ઊડાવવાની પણ જાહેરાત કરી છે. એર-ઈન્ડિયાએ કાઠમાંડુ અને ભારતનાં વિવિધ શહેરો વચ્ચેનું વન-વે ભાડું રૂ. ૧૪,૦૦૦થી ઘટાડીને માત્ર રૂ. ૪,૭૦૦ કર્યું છે. તેમજ તે રાહત માલસામાન પહોંચાડવા પ્રાધાન્ય આપશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter