દુબઈ, જોહાનિસબર્ગઃ સાઉથ આફ્રિકામાં આચરેલા કથિત ભ્રષ્ટાચારના સંદર્ભે ભારતવંશી ગુપ્તાબંધુઓ -રાજેશ અને અતુલ ગુપ્તાની દુબઈમાં ધરપકડ કરાઈ છે.સરકારી સંસ્થાઓમાં ભારે નાણાકીય કૌભાંડના કેન્દ્રમાં રહેલા ભારતીય બિઝનેસમાલિકોના કારણે પૂર્વ પ્રમુખ જેકોબ ઝૂમાએ રાજીનામું આપવાની ફરજ પડી હતી.
સાઉથ આફ્રિકાની જસ્ટિસ મિનિસ્ટ્રીએ જણાવ્યું હતું કે યુનાઈટેડ આરબ અમિરાત (UAE)ના લો એન્ફોર્સમેન્ટ સત્તાવાળાઓએ નાસતાફરતા આરોપીઓ રાજેશ અને અતુલ ગુપ્તાની દુબઈમાં ધરપકડ કરાઈ હોવાની માહિતી આપી છે જેકોબ ઝૂમાના 9 વર્ષ- 2018 સુધીના શાસનમાં ગુપ્તાબંધુઓએ ભ્રષ્ટાચારના મોટા પાયે કૌભાંડો આચર્યા હતા. ગુપ્તાબંધુઓ સામે દેશના આકર્ષક કોન્ટ્રાક્ટ્સ હાંસલ કરવા માટે લાંચ આપવાના તેમજ અને સરકારના પ્રધાનોની નિયુક્તિ પર પ્રભાવ પાડવાના આક્ષેપો લાગેલા છે.
ઈન્ટરપોલ દ્વારા ગયા વર્ષે જુલાઈમાં રેડ કોર્નર નોટિસ જારી કરાયા પછી લગભગ એક વર્ષે તેમની ધરપકડ થઈ છે. સાઉથ આફ્રિકાની જસ્ટિસ મિનિસ્ટ્રીએ જણાવ્યું હતું કે UAE અને સાઉથ આફ્રિકાની વિવિધ લો એન્ફોર્સમેન્ટ એજન્સીઓ વચ્ચે આગળની કાર્યવાહી મુદ્દે ચર્ચા ચાલી રહી છે. ગુપ્તા સાથે સંકળાયેલી કંપની નુલાને ઈન્વેસ્ટમેન્ટને ચૂકવાયેલા 15 મિલિયન રેન્ડ (1.3 મિલિયન પાઉન્ડ)ના સંદર્ભે મનીલોન્ડરિંગ અને ફ્રોડ બાબતે તેમની શોધખોળ ચલાવાઈ હતી.
ગુપ્તાબંધુઓ 1993માં માઈનિંગ, કોમ્પ્યુટર ટેકનોલોજી અને મીડિયા ક્ષેત્રે વિશાળ સામ્રાજ્ય ઉભુ કરવાના ઈરાદે દક્ષિણ આફ્રિકા આવ્યા હતા. તેમને સાઉથ આફ્રિકન નાગરિકત્વ પણ અપાયું હતું પરંતુ, 2018માં જ્યુડિશિયલ કમિશને તેમના વિરુદ્ધ તપાસ આરંભ્યા પછી તેઓ દેશ છોડીને ભાગી ગયા હતા. ચાર વર્ષની તપાસ પછી ચીફ જસ્ટિસ રેમન્ડ ઝોન્ડોએ તૈયાર કરેલા રિપોર્ટમાં ગુપ્તાબંધુઓએ કેવી રીતે સત્તા પરના ઉચ્ચ સરકારી સ્તરોએ અને શાસક પક્ષ આફ્રિકન નેશનલ કોંગ્રેસ (ANC)માં ઘૂસણખોરી કરી હતી તેનો ઘટસ્ફોટ કર્યો હતો.
ગુપ્તાબંધુઓએ રેલવે, પોર્ટ્સ અને પાઈપલાઈન્સના કોન્ટ્રાક્ટ્સ હાંસલ કરવાના મોટાં કૌભાંડો આચર્યા હતા. પૂર્વ પ્રેસિડેન્ટ જેકોબ ઝૂમાં ગુપ્તા ભાઈઓની ઈચ્છા મુજબ અને તેમના ઈશારે કામ કરતા હતા. કૌભાંડો બહાર આવતા ઝૂમાએ 2018માં રાજીનામું આપવું પડ્યું હતું. તપાસકારો સમક્ષ જુબાની આપવાના ઈનકારના કારણે ઝૂમાને 15 મહિનાની સજા પણ કરાઈ હતી અને માત્ર બે મહિના મજેલમાં રહ્યા પછી ગત મહિને પેરોલ પર છૂટકારો થયો છે.