સિએટલઃ માઇક્રોસોફ્ટ કોર્પોરેશનના નફામાં ૨૦૧૫-૧૬ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ૧૦ ટકાનો તીવ્ર ઘટાડો નોંધાયો છે. આશરે ૩.૨ બિલિયન ડોલરની આ તોતિંગ ખોટ કંપનીની અત્યાર સુધીની સૌથી જંગી ખોટ છે. આ માટે નોકિયા ફોન બિઝનેસની વાસ્તવિક મૂલ્યથી વધુ ઊંચી કિંમતે ખરીદી અને તેની વિન્ડો ઓપરેટિંગ સિસ્ટમની માગમાં ઘટાડો મુખ્ય કારણ મનાય છે.
માઇક્રોસોફ્ટે ગત વર્ષે ૯.૪ બિલિયન ડોલરમાં નોકિયાનો બિઝનેસ ખરીદ્યો હતો. જોકે કંપનીએ હવે નોકિયાનું વેલ્યુએશન ઘટાડીને ૭.૫ બિલિયન ડોલર કર્યું છે. કહેવાય છે કે, માઇક્રોસોફ્ટે નોકિયાનું ફરીથી વેલ્યુએશન ન કર્યું હોત તો તેને શેરદીઠ ૬૨ સેન્ટનો નફો થયો હોત. આ કારણથી તેના શેરમાં પણ ખાસ્સો ઘટાડો જોવા મળ્યો છે. મંગળવારે એક્સ્ટેન્ડેડ ટ્રેડિંગમાં માઇક્રોસોફ્ટના શેરમાં ચાર ટકાનો ઘટાડો થયો હતો.
માઇક્રોસોફ્ટના ભારતવંશી ચીફ એક્ઝિક્યુટિવ સત્ય નડેલા નોકિયાના બિઝનેસને ખરીદવાના વિરોધમાં હતા. હાલમાં કંપનીએ પોતાનું ધ્યાન સોફ્ટવેર અને ક્લાઉડ સર્વિસ પર કેન્દ્રિત કર્યું છે કારણ કે, તેમની વિન્ડો ઓપરેટિંગ સિસ્ટમની માગ ઘટી છે. વિન્ડોનું વેચાણ આ વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં ૨૧ ટકા ઘટી ગયું હતું.
ઉલ્લેખનીય છે કે, કંપનીએ આ મહિને જ એક જાહેરાત કરતાં કહ્યું કે, તે પોતાના વર્કફોર્સમાં સાત ટકા એટલે કે આશરે ૭૮૦૦ કર્મચારીનો ઘટાડો કરશે. ખાસ કરીને આ છટણી ફોન હાર્ડવેર બિઝનેસમાં થશે.
માઇક્રોસોફ્ટને ૩૦ જૂને પૂર્ણ થયેલા ક્વાર્ટરમાં શેરદીઠ ૪૦ સેન્ટ ખોટ ગઇ છે. એક વર્ષ પહેલાં કંપનીએ આ જ સમયગાળામાં શેરદીઠ ૫૫ સેન્ટ એટલે કે આશરે ૪.૬૧ બિલિયન ડોલરનો નફો થયો હતો.
માઇક્રોસોફ્ટ તેનો એમએસ ઓફિસનો બિઝનેસ ક્લાઉડ પર શિફ્ટ કરી રહી છે. તેનું માનવું છે કે, આમ કરવાથી તે પ્રત્યેક ગ્રાહક પર વધુ નફો રળી શકે છે, જોકે કંપનીનાં આ પગલાંની કોઈ તાત્કાલિક અસર દેખાઈ નથી. નોકિયા ડીલમાં ગયેલી ખોટની ભરપાઈ ક્લાઉડ બિઝનેસ કરી શકી નથી. આ ઉપરાંત પીસી માર્કેટમાં કડાકો બોલ્યા બાદ માઇક્રોસોફ્ટના વિન્ડોઝ લાઇસન્સનાં વેચાણમાં ઘટાડો થઈ ગયો છે. કંપનીનું મોબાઇલ ઓપરેટિંગ સિસ્ટમનું માર્કેટ પણ ઘણું મંદ છે. વિન્ડોઝ-૮ નિષ્ફળ રહી છે. હવે કંપનીને વિન્ડોઝ-૧૦ પર આશા છે, જે આગામી સપ્તાહે લોન્ચ થશે.