નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશના નોઈડા સ્થિત સ્માર્ટફોન ઉત્પાદક કંપની રિંગીંગ બેલ્સે વિશ્વનો સૌથી સસ્તો સ્માર્ટ ફોન ૧૮ ફેબ્રુઆરીએ લોન્ચ કર્યો છે. માત્ર ૨૫૧ રૂપિયાની કિંમતનો આ સ્માર્ટફોન છે. ‘ફ્રીડમ ૨૫૧’ નામનો આ થ્રી-જી હેન્ડસેટ ૪ ઈંચનો એચડી ડિસપ્લે ધરાવે છે. મેક ઇન ઇંડિયા ઝુંબેશ અંતર્ગત આ ફોન લોન્ચ કરવામાં આવ્યો છે.
૧.૩ ગીગાહર્ટ્ઝ ક્વોડકોમ ક્વોડ-કોર પ્રોસેસર અને ૧ જીબી રેમ ધરાવે છે. એન્ડ્રોઈડ લોલીપોપ-બેઝ્ડ આ મોબાઈલ હેન્ડસેટમાં ઓનબોર્ડ સ્ટોરેજ કેપેસિટી ૮ જીબીની છે. આ ફોનમાં પ્રી-ઈન્સ્ટોલ્ડ એપ્સ હશે, જેમાં વિમેન સેફટી, સ્વચ્છ ભારત, ફિશરમેન, ફાર્મર, મેડિકલ, વોટ્સએપ, ફેસબુક અને યૂટ્યૂબ જેવી એપ્સનો સમાવેશ છે. ઉલ્લેખનીય છે કે કંપનીએ આ અગાઉ ૨૯૯૯ રૂપિયામાં ફોર-જી મોબાઈલ ફોન લોન્ચ કર્યો હતો.
સસ્તો ફોન, સવાલ અનેક
સ્માર્ટ ફોનની દુનિયામાં હલચલ મચાવી દેનારા આ ફ્રીડમ-૨૫૧ના લોન્ચીંગે અનેક પ્રશ્નો પણ સર્જ્યા છે. મોબાઇલ હેન્ડસેટના ઉત્પાદન સાથે સંકળાયેલા લોકોનું કહેવું છે કે આ ફોન આટલો સસ્તો કઇ રીતે બની શક્યો છે તે અંગે ઉત્પાદકોએ સ્પષ્ટતા કરવી જોઇએ. આટલા ફીચર્સ ધરાવતા મોબાઇલ હેન્ડસેટની ઉત્પાદનકિંમત કોઇ પણ સંજોગોમાં ૨૭૦૦ રૂપિયાથી ઓછી શક્ય જ નથી. જોકે કંપનીના ઉત્પાદકોનો દાવો છે કે ફોનની આટલી નીચી કિંમત અંગે યોગ્ય સમયે તેઓ સ્પષ્ટતા કરશે.
‘ફ્રીડમ-૨૫૧’ઃ જાણવા જેવી ૧૦ બાબતો
• ફ્રીડમ-૨૫૧માં ૪ ઈંચ એચડી ડિસપ્લે, ૯૬૦x૫૪૦ પિક્સલ રેઝોલ્યુશન • ૧.૩ જીએચઝેડ ક્વોડ-કોર પ્રોસેસર • એન્ડ્રોઈડ ૫.૧. લોલીપોપ ઓપરેટિંગ સિસ્ટમ • ૧ જીબી રેમ, ૮ જીબી ઈન્ટર્નલ સ્ટોરેજ, ૩૨ જીબી સુધી એક્સપાન્ડેબલ • ૩.૨ મેગાપિક્સલ રીયર કેમેરા, ૦.૩ મેગાપિક્સલ ફ્રન્ટ ફેસિંગ કેમેરા (સેલ્ફી માટે) • ઈન્ટરનેટ બ્રાઉઝિંગ માટે થ્રી-જી સપોર્ટ • વિમેન સેફ્ટી, સ્વચ્છ ભારત, ફિશરમેન, ફાર્મર, મેડિકલ, વોટ્સએપ, ફેસબુક અને યુટ્યુબ જેવી એપ્સ • ૧૪૫૦ MAh બેટરી • ૧ વર્ષની વોરન્ટી, દેશભરમાં ૬૫૦ સર્વિસ સેન્ટર • મેક ઈન ઈન્ડિયા ઝુંબેશ અંતર્ગંત સ્માર્ટ ફોન લોન્ચ કરાયો