મુંબઇઃ ત્રણ રાજ્યોમાં ભાજપની બમ્પર જીતને પગલે શેરબજારમાં મોદી મેજિક છવાયો હતો, જેના પગલે રોકાણકારોને પણ માર્કેટમાંથી કમાણીની ગેરંટી મળી છે. સોમવારે બીએસઇ સેન્સેક્સ દોઢ વર્ષના સૌથી મોટા 1384 પોઇન્ટના ઉછાળા સાથે 68,000ની સપાટી કુદાવીને રેકોર્ડ 68,865ની સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 419 પોઇન્ટ ઊછળીને 20,687ની સપાટીએ બંધ રહી હતી.
2024માં આવનારી સામાન્ય ચૂંટણીમાં મોદી સરકાર માટે રસ્તો વધુ સરળ બનવાની આશા પાછળ રોકાણકારોની મૂડી સરેરાશ છ લાખ કરોડ વધીને રૂ.343.47 લાખ કરોડની વિક્રમી સપાટીએ પહોંચી છે. ડોલર મૂલ્યમાં શેરબજારનું માર્કેટ કેપ 4.10 ટ્રીલિયન ડોલર નોંધાયું હતું. સેન્સેક્સમાં છેલ્લે 20 મે 2022એ 1534 પોઇન્ટના એક દિવસીય ઉછાળા બાદ આ સૌથી મોટો ઉછાળો છે. 15 સપ્ટેમ્બર 2023એ પ્રથમવાર સેન્સેક્સે નવી ટોચ બનાવ્યા પછી સોમવારે નવી ટોચ બનાવવા માટે 53 ટ્રેડિંગ સેશનનો સમય લીધો હતો.
તેજીનાં એક નહીં, અનેક કારણો
• ત્રણ રાજ્યોમાં ભાજપની બમ્પર જીત • એફઆઇપીની છેલ્લા કેટલાક સમયથી રિએન્ટ્રી • ક્રૂડના ભાવ 80 ડોલરની આસપાસ પહોંચવા • વૈશ્વિક ખાસ કરીને અમેરિકાના શેરબજારનો સાથ • જીડીપી સહિતના માઇક્રો-મેક્રો આર્થિક ડેટા મજબૂત • અમેરિકામાં બોન્ડ યીલ્ડ નીચે આવતા રાહતનો શ્વાસ • વૈશ્વિક સ્તરે ફુગાવો નીચે આવતા વ્યાજદરમાં સ્થિરતા • ભારતીય રિઝર્વ બેન્ક આગામી સમય માટે જીડીપીનો ગ્રોથ સુધારે તેવો આશાવાદ