મુંબઇઃ બિરલા પરિવારે મહાનગરનો સૌથી મોંઘો પ્રોપર્ટી સોદો કર્યો છે. મલબાર હિલમાં આવેલું જતિયા હાઉસ કેટલાક સમયથી વેચાણ માટે મુકાયું હતુ. આ જતિયા હાઉસ રવિવારે આદિત્ય બિરલા જૂથના કુમાર મંગલમ્ બિરલાએ એક હરાજીમાં ખરીદ્યું છે.
કુમાર મંગલમ્ બિરલાએ આ બંગલા માટે ૪૨૫ કરોડ રૂપિયાની બોલી લગાવી હતી. આ બંગલાનો બિલ્ટ-અપ એરિયા ૨૫,૦૦૦ ચોરસ ફુટ છે. આ અત્યાર સુધીમાં મુંબઇનો સૌથી મોંઘો બંગલાનો સોદો છે. ૨૦૧૧માં આ જ વિસ્તારમાં મહેશ્વરી હાઉસ નામનો બંગલો ૪૦૦ કરોડ રૂપિયામાં વેચાયો હતો. જતિયા હાઉસથી થોડા ફુટના અંતરે આવેલો હોમી ભાભાનો મેહરનગીર બંગલો ૨૦૧૪માં ૩૭૨ કરોડ રૂપિયામાં વેચાયો હતો. હાલમાં નવા માલિકે આ બંગલાની કિંમતના ૧૦ ટકા ચૂકવવાના રહેશે, જ્યારે બાકીની રકમ ભવિષ્યમાં ચૂકવાશે.
૨૫,૦૦૦ ચોરસ ફુટ વિસ્તાર ધરાવતો આ બંગલો શહેરમાં સૌથી મોંઘા ભાવે વેચાયો છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં ૪૦૦ કરોડ રૂપિયાથી ઉપરની રકમમાં કોઈ બંગલો વેચાયો નથી. આ બંગલાના પ્લોટની સાઇઝ ૨૯૨૬ ચોરસ મીટર (લગભગ ૩૧,૪૯૫ ચોરસ ફુટ) છે અને એ મલબાર હિલમાં લિટલ ગિબ્સ રોડ પર આવેલો છે.
આ પ્રોપર્ટી વાય. જતિયાની માલિકીની હતી. તેમણે ૧૯૭૦ના દાયકામાં એમ. સી. વકીલ પાસેથી આ બંગલો ખરીદ્યો હતો. હાલ બંગલામાં બે ભાઈઓ અરુણ અને શ્યામ જતિયા રહે છે. આ કુટુંબ પદમશી ઇન્ડસ્ટ્રીઝ ચલાવે છે જે પેપર બિઝનેસમાં છે.
આ બંગલો કુમાર મંગલમ્ બિરલાએ પોતાના અંગત વપરાશ માટે ખરીદ્યો છે. બિરલા હાલમાં અલ્ટામાઉન્ટ રોડ પર અન્ય એક બંગલામાં રહે છે, જે જતિયા હાઉસથી માત્ર ૧૦ મિનિટના ડ્રાઇવિંગ અંતરે આવેલો છે.