ન્યૂ યોર્કઃ રિલાયન્સ જૂથના મોભી મુકેશ અંબાણીએ સતત આઠમા વર્ષે સૌથી ધનિક ભારતીય તરીકેનું ગૌરવ જાળવ્યું છે. તેમની નેટવર્થ ૨૧ બિલિયન યુએસ ડોલર થાય છે. જ્યારે સોફ્ટવેર કિંગ બિલ ગેટ્સે વિશ્વના સૌથી ધનાઢયનું સ્થાન જાળવ્યું છે.
‘ફોર્બ્સ’ દ્વારા તૈયાર થયેલી આ યાદીમાં મુકેશ અંબાણી વૈશ્વિકસ્તરે ૩૯મા ક્રમે, ત્યાર બાદ ફાર્મા ટાઈકુન દિલીપ સંઘવી ૨૦ બિલિયન યુએસ ડોલરની નેટવર્થ સાથે ૪૪મા ક્રમે જ્યારે અઝીઝ પ્રેમજી ૧૯.૧ બિલિયન યુએસની નેટવર્થ સાથે ૪૮મા ક્રમે છે.
બિલ ગેટ્સની નેટવર્થ ૭૯.૨ બિલિયન યુએસ ડોલરની છે. ૨૧ વર્ષમાં ૧૬મી વાર બિલ ગેટ્સે ટોચનું સ્થાન મેળવ્યું છે. બીજા ક્રમે મેક્સિકોના કાર્લોસ સ્લિમ અને ત્રીજા ક્રમે અમેરિકી ઇન્વેસ્ટર વોરેન બફેટ છે.
યાદીમાં સ્થાન મેળવનાર ભારતીયોમાં શિવ નાદર (૬૬મો ક્રમ, ૧૪.૮ બિલિયન યુએસ ડોલર), હિન્દુજા બંધુ (૬૯મો ક્રમ, ૧૪.૫ બિલિયન યુએસ ડોલર), લક્ષ્મી મિત્તલ (૮૨મો ક્રમ, ૧૩.૫ બિલિયન યુએસ ડોલર), કુમાર મંગલમ્ બિરલા (૧૪૨મો ક્રમ, ૯ બિલિયન યુએસ ડોલર), ઉદય કોટક (૧૮૫મો ક્રમ ૯૭.૨ બિલિયન યુએસ ડોલર), ગૌતમ અદાણી (૨૦૮મો ક્રમ, ૬.૬ બિલિયન યુએસ ડોલર), સુનિલ મિત્તલ (૨૦૮મો ક્રમ, ૬.૬ બિલિયન યુએસ ડોલર), અનિલ અંબાણી (૪૧૮, ૪ બિલિયન યુએસ ડોલર)નો સમાવેશ થાય છે.