નવી દિલ્હીઃ નરેન્દ્ર મોદી સરકારના પહેલા સંપૂર્ણ બજેટને કોર્પોરેટ વિશ્વ, બ્રોકરેજ કંપનીઓ અને બેન્કિંગ સેક્ટરમાંથી બહોળો આવકાર સાંપડ્યો છે. અહીં કેટલાક પ્રતિભાવો રજૂ કર્યા છે.
કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝ (સીઆઇઆઇ)ના પ્રમુખ અજય શ્રીરામ કહે છે કે આ બજેટ સકારાત્મક અને વિકાસલક્ષી છે, અને તે આર્થિક વિકાસ દરના લક્ષ્યને હાંસલ કરવા અને તેમજ રોજગાર નિર્માણના અભિયાનને સફળ બનાવવા માટે નાણા પ્રધાને નક્કી કરેલા માર્ગે બજેટ જઇ રહયું છે, એમ જણાવ્યું હતું.
‘ફિક્કી’ના પ્રમુખ જ્યોત્સના સુરી માને છે કે અર્થતંત્રના વિકાસ માટે નાણા પ્રધાને નકકી કરેલા માર્ગ ઉપર બજેટ જઇ રહયું છે. તેમણે અનેક સારા પગલાં જાહેર કર્યા છે જેમાંથી એક કોર્પોરેટ ટેક્સ ૩૦ ટકાથી ઘટાડીને ૨૫ ટકા કરવાનો નિર્ણય ઘણો સારો છે.
‘એસોચેમ’ના પ્રમુખ રાણા કપૂર કહે છે કે નાણા પ્રધાને જાહેર સ્રોતોના ઉપયોગ વડે ઇન્ફ્રા સેક્ટરના વિકાસને આપેલુ પ્રાધાન્ય આવકારને પાત્ર છે. ઇન્ફ્રા સેક્ટર માટે ટેક્સ ફ્રી બોન્ડ ઇસ્યુ કરવાની જાહેરાત આવકારીએ છીએ.
ઇન્ટરનેશનલ કોપર એસોસિએશન ઓફ ઇન્ડિયા (આઇસીએ)ના એમડી સંજીવ રંજને બજેટને આવકારતાં કહયું હતું કે રેલવે બજેટની જેમ સામાન્ય બજેટ પણ સુધારા અને વિકાસની દિશામાં આગળ વધી રહયુ છે. ચાર હજાર મેગાવોટના પાંચ વધુ પાવર પ્લાન્ટ શરૂ કરવાની જાહેરાતથી કોપર ઉદ્યોગને લાભ થશે, એમ તેમણે જણાવ્યુ હતુ.
બજાજ ગ્રૂપના ચેરમેન રાહુલ બજાજ કહે છે કે આમ જોવા જઇએ તો કોઇ બજેટ પરફેક્ટ હોતું નથી, પણ આ બજેટ ઘણું સકારાત્મક છે એમ કહી શકાય. કોર્પોરેટ ટેક્સ ૩૦ ટકાથી ઘટાડીને ૨૫ ટકા કરવાનો નિર્ણય ઘણો સરાહનીય છે. પહેલી નજરે એમ હું કહી શકું કે જે કાંઇ પગલાં લેવામાં આવી રહયા છે તે ઘણા સારાં છે.
યસ બેન્કના ચીફ ઇકોનોમિસ્ટ સુભદા રાવ કહે છે કે સરકારે આ બજેટ દ્વારા મૂડીરોકાણના કાર્યક્રમને આગળ ધપાવવા માટેની દિશામાં આગળ વધવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે અને માર્કેટ બોરોઇન્ગ્સના કાર્યક્રમ અંગે અમે ઘણા સકારાત્મક છીએ.
એચડીએફસી બેન્કના ચીફ ઇકોનોમિસ્ટ અભિક બરુઆએ જણાવ્યું હતું કે સરકાર જાહેર રોકાણ માટે ગંભીર પગલાં લઇ રહી છે ત્યારે રાજકોષીય ખાધનો આંક વધે તે સ્વાભાવિક છે. સરકારે આ બજેટમાં રાજકોષીય ખાધનું લક્ષ્યાંક અગાઉના ૩.૬ ટકાથી વધારીને ૩.૯ ટકા કરીને શાણપણ દાખવ્યું છે અને આ પગલું અપેક્ષિત હતું.