લંડનઃ પોતાના પોલિસી ઈન્ડિયા પ્રોગ્રામના ભાગરુપે ઈન્ડિયા ઈન્ક. દ્વારા ૧૭ નવેમ્બરે ત્રીજી ઉચ્ચસ્તરીય પોલિસી ઈન્ડિયા સમિટનું આયોજન કાનૂની પેઢી એલન એન્ડ ઓવેરી દ્વારા તેમના લંડન વડા મથકે કરવામાં આવ્યું હતું. સમિટનું લક્ષ્ય ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીની તાજેતરની યુકે મુલાકાતના સંદર્ભે ભારત-યુકેના દ્વિપક્ષી વેપાર અને રોકાણો પર અસરનું મૂલ્યાંકન કરવાનું હતું. હાઈ પ્રોફાઈલ વક્તાઓમાં ભારતના વાણિજ્ય પ્રધાન નિર્મલા સીતારામન, યુકેના એમ્પ્લોયમેન્ટ મિનિસ્ટર પ્રીતિ પટેલ, યુકેસ્થિત ભારતીય હાઈ કમિશનર રંજન મથાઈનો સમાવેશ થયો હતો. લોર્ડ કરણ બિલિમોરિયા સહિત ચાવીરુપ સીઈઓ તેમજ વિશ્વની JCB, EY, KPMG, સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ સહિતની અગ્રણી સંસ્થાઓના પ્રતિનિધિઓ પણ સમિટમાં ઉપસ્થિત હતા.
યુકેના એમ્પ્લોયમેન્ટ મિનિસ્ટર પ્રીતિ પટેલે જણાવ્યું હતું કે,‘આ મુલાકાત ખરેખર ભારત સાથે અમારી ભાગીદારી અને તેના પ્રત્યે કટિબદ્ધતાનું સાચું ઉદાહરણ છે. ભારતના યુરોપમાં પ્રવેશ માટે યુકે જ યોગ્ય સ્થાન બની રહેશે. બન્ને દેશો વચ્ચે કુદરતી સંબંધના મૂળ બ્રિટિશ જીવન, સફળતા અને ઓળખમાં સમૃદ્ધ પ્રદાન આપનારા બ્રિટનસ્થિત ૧.૫ મિલિયન ભારતીય ડાયસ્પોરામાં રહેલાં છે. વડા પ્રધાન મોદીની મુલાકાતથી આપણા લોકો વચ્ચેના સંબંધો, બ્રિટિશ ભારતીયો અને ભારતીયો વચ્ચેના સંબંધો વધુ મજબૂત બન્યા છે.’
ભારતીય પક્ષે તેનો પડઘો પાડતાં વાણિજ્ય પ્રધાન નિર્મલા સીતારામને કહ્યું હતું કે,‘ભારત માટે યુકેનું મહત્ત્વ છે અને વડા પ્રધાન મોદીને ટાંકીએ તો યુરોપમાં ભારત માટે યુકે મજબૂત પાર્ટનર સાબિત થયેલું છે.’ ભારતીય પ્રધાને રિફોર્મ એજન્ડા પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતાનો પુનરુચ્ચાર કર્યો હતો.
યુકેસ્થિત ભારતીય હાઈ કમિશનર મથાઈએ વડા પ્રધાન મોદીની મુલાકાત દરંમિયાન સંબંધોમાં નવા યુગને સ્થાપિત કરતા કેટલાક સોદાનું મહત્ત્વ સમજાવી કહ્યુ હતું કે,‘સિવિલ ન્યુક્લીઅર સમજૂતી યુકે સાથે સંબંધોમાં નવું પરિમાણ ઉમેરે છે. ભારત સિવિલ ન્યુક્લીઅર ક્ષેત્રમાં ગ્લોબલ સપ્લાય ચેનનો હિસ્સો બનવા તરફ આગળ વધી રહ્યું છે.’
ઈન્ડિયા ઈન્ક.ના સ્થાપક અને સીઈઓ મનોજ લાડવાએ જણાવ્યું હતું કે,‘વડા પ્રધાન મોદી લગભગ એક દસકામાં યુકેની મુલાકાત લેનારા પ્રથમ ભારતીય વડા પ્રધાન હોવાથી તેમની મુલાકાત ઐતિહાસિક અને સીમાચિહ્ન બની રહી છે. ભારત અને યુકે વચ્ચેના સંબંધો બે દેશની ભૌગોલિક સીમાથી આગળ વધી સમગ્ર વિશ્વમાં સહકાર સાધવા તકો તરફ નજર કરી રહ્યા છે. આ સમિટમાં આ સંબંધોની તીવ્ર ગર્ભિત ક્ષમતાને વાસ્તવિક બનાવવા ચાવીરૂપ પડકારો અને તકોને કેવી રીતે કામે લગાવી શકાય તેની ચર્ચા કરાઈ છે.’
એલન એન્ડ ઓવેરીમાં પાર્ટનર સંજીવ ધુનાએ કહ્યું હતું કે,‘સમગ્રતયા લાગણી એવી રહી છે કે ભારતમાં બિઝનેસ ક્લાઈમેટ બદલાઈ રહી છે અને આ સમિટ તકોને શોધવાના યોગ્ય સમયે આવી છે.’
મોદી મુલાકાતની હાઈલાઈટ્સઃ • નેશનલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ ફંડ (NIIF) અંતર્ગત ભારત-યુકે પાર્ટનરશિપની સ્થાપના થકી ભારતમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં રોકાણો ઠાલવવા સિટી ઓફ લંડન ભૂમિકા ભજવશે. • સિટી ઓફ લંડન મારફત ફાઈનાન્સ એકત્ર કરવા HDFC, ભારતી એરટેલ, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા અને યસ બેન્કની જાહેરાતો, જેનાથી ભારતીય ખાનગી ક્ષેત્રને તેમના વિકાસ અને રોકાણો માટે મૂડી ઉભી કરવાની તક સર્જાશે. • ઈન્ડિયા-યુકે સીઈઓઝ ફોરમની પુનર્રચના • નવી યુકે-ઈન્ડિયા સ્કીલ્સ બાંયધરી અંતર્ગત યુકેની ૧૧ કંપનીઓ ભારતમાં કૌશલ્ય વિકાસને ટેકો આપશે • યુકે સરકાર અને યુકે બિઝનેસીસ સંયુક્તપણે ચાવીરૂપ ક્ષેત્રોમાં નવા ‘સેન્ટર્સ ઓફ એક્સેલન્સ’ સ્થાપશે, જેનો આરંભ પૂણેમાં ઓટોમોટિવ એન્ડ એડવાન્સ્ડ એન્જિનીઅરિંગ કેન્દ્ર સાથે થશે. • યુકે-ઈન્ડિયા માટે ૨૦૧૬ એજ્યુકેશન, રિસર્ચ અને ઈનોવેશનનું વર્ષ બની રહેશે. • સ્માર્ટ સિટિઝ, નવી હેલ્થકેર સુવિધાઓની સ્થાપના, અણુ સહકાર કરાર માટે વાટાઘાટોની સફળ સમાપ્તિ તેમજ યુકે અને ભારત વચ્ચે ગાઢ સિવિલ ન્યુક્લીઅર સહકાર માટે સમજૂતી.