મોદીનો ચીનપ્રવાસઃ બન્ને દેશોના શહેરોને નજીક લાવવા પ્રયાસ થશે

Friday 01st May 2015 05:45 EDT
 
 

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આગામી ચીન પ્રવાસ વેળા બંને દેશ વચ્ચે દ્વિપક્ષીય વ્યાપાર અને રોકાણના મહત્ત્વના કરાર થવાની શક્યતા છે. ચીનના ભારત ખાતેના એમ્બેસેડર લે યુચેંગે એક અખબાર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ‘બંને દેશ પરસ્પર સહકાર માટે એક પ્લેટફોર્મ ઊભું કરવા સક્રિય છે. જેમાં ભારતના વિવિધ રાજ્યના મુખ્ય પ્રધાનો અને ચીનના વિવિધ પ્રાંતના ગવર્નર કરાર કરશે. આ પ્રકિયા મોદીના ચીન પ્રવાસ વખતે પૂરી કરાશે.’
યુચેંગે જણાવ્યું હતું કે, ‘આ પ્લેટફોર્મ બે દેશનાં રાજ્યો અને પ્રાંત વચ્ચે ભાગીદારી અને સહયોગ વધારશે. રાજ્યો અને પ્રાંત વૃદ્ધિનાં એન્જિન છે અને તેની મદદથી દ્વિપક્ષીય વ્યાપાર અને રોકાણ તેમ જ પરસ્પર લોકોના સંપર્કમાં વધારો થશે. આવા પ્લેટફોર્મ્સે અમને અમેરિકા અને રશિયા સાથે સહયોગ વધારવામાં મદદ કરી છે.’
ભારત અત્યારે કોઈ દેશ સાથે આવું પ્લેટફોર્મ ધરાવતું નથી. પરંતુ દેશનાં કેટલાંક મહત્ત્વનાં રાજ્યો અને અન્ય દેશોના પ્રાંત સાથે ભાગીદારી ધરાવે છે. ભારતના વિવિધ રાજ્યના પ્રધાનો રોકાણ, ટેકનોલોજી અને બજારની શોધમાં ઘણા દેશોની મુલાકાત લઈ રહ્યા છે.
વડા પ્રધાન મોદીની પહેલી ચીન મુલાકાતમાં બન્ને દેશો વચ્ચે સિસ્ટર-સિટી સહકારની યાદીનો આંકડો પણ વધવાની શક્યતા છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ચીનના પ્રેસિડન્ટ શિ જિનપિંગની મુલાકાત વખતે શાંઘાઈ અને મુંબઈને સિસ્ટર સિટી બનાવવા અંગેના કરાર પર હસ્તાક્ષર કરાયા હતાં. ઉપરાંત આવા જ કરાર અમદાવાદ અને ચીનના અગ્રણી વ્યાપાર કેન્દ્ર ગુઆંગઝાઉ વચ્ચે પણ થયા હતા.
મનમોહન સિંહની સરકાર વખતે દિલ્હી-બૈજિંગ, બેંગાલૂરુ-ચેંગડું અને કોલકતા-કુન્મિંગ વચ્ચે સિસ્ટર સિટી માટે કરાર થયા હતા. મુંબઈ અને શાંઘાઈ ઘણી બાબતોમાં સામ્ય ધરાવે છે. બંને પોતપોતાના દેશની આર્થિક રાજધાની છે. શાંઘાઈ ખાસ કરીને આઈટી અને ટુરિઝમ સેકટરમાં મુંબઈ સાથે સહયોગ સાધવા ઉત્સુક છે.
ચીન પણ બંને આર્થિક રાજધાનીનાં સંબંધ મજબૂત બનાવવા સંયુક્ત પ્રવૃત્તિની યોજના ધરાવે છે. ચીનના અધિકારીઓએ જણાવ્યું હતું કે, બિઝનેસ અને આર્થિક બાબતો ઉપરાંત, લોકોનો પરસ્પર સંપર્ક અને સાંસ્કૃતિક જોડાણ બંને દેશના યુવાનોને નજીક લાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે. સિસ્ટર સિટીના કરારનો અર્થ એ થશે કે, બંને શહેર મ્યુનિસિપલ સ્તરે સંયુક્ત પ્રોજેક્ટ હાથ ધરી શકશે. તેના માટે પ્રધાનોની બહુસ્તરીય મંજૂરીની જરૂર નહીં પડે. મોદી ભારત અને અન્ય દેશનાં શહેરો વચ્ચે સંભવિત સહકારની શક્યતા ચકાશે છે. ગયા વર્ષે જાપાન મુલાકાતમાં વારાણસી અને ક્યોટો વચ્ચે સિટ્ર સિટી સંબંધી કરાર થયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter