યુએસમાં ૧૦૦ ભારતીય કંપનીઓનું ૧૫ બિલિયન ડોલરનું રોકાણ

Monday 20th July 2015 05:44 EDT
 
 

વોશિંગ્ટનઃ ભારતની ૧૦૦ જેટલી મોટા ગજાની કંપનીઓએ અમેરિકામાં ૧૫ બિલિયન ડોલરનું રોકાણ કર્યું છે. એટલું જ નહીં, અમેરિકામાં ૯૧ હજાર જોબની તકો પણ ઊભી કરી છે.
આ ૧૦૦ ભારતીય કંપનીઓ ૩૫ અમેરિકન રાજ્યોમાં વિવિધ ક્ષેત્રમાં ફેલાયેલી છે. જેમાં સધર્ન સ્ટેટ ટેક્સાસને ભારતીય કંપનીઓ તરફથી સૌથી વધુ ૩.૮૪ બિલિયન ડોલરનું મહત્તમ રોકાણ મળ્યું છે. આ પછીના ક્રમે પેન્સિલવેનિયા ૩.૫૬ બિલિયન ડોલર, મિનેસોટાને ૧.૮ બિલિયન ડોલર, ન્યૂ યોર્કને ૧.૦૧ બિલિયન ડોલર અને ન્યૂ જર્સીને ૧ બિલિયન ડોલરનું રોકાણ મળ્યું હોવાનું ‘ઇન્ડિયન રૂટ્સ અમેરિકન સોઈલ’ નામના કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (સીઆઈઆઈ) અને ગ્રાન્ટ થોર્ટન (જીટી)ના રિપોર્ટમાં જણાવાયું છે. આ રિપોર્ટ કેપિટોલ હિલમાં તાજેતરમાં રિલિઝ કરવામાં આવ્યો ત્યારે યુએસના જ્હોન કોર્નીન અને માર્ક વોર્નર સહિત ૨૦ જેટલા ટોચના સાંસદો ઉપસ્થિત રહ્યા હતાં.
સેનેટર વોર્નરે આ પ્રસંગે કહ્યું હતું, ‘અમેરિકામાં ભારત એફડીઆઇ (સીધા વિદેશી મૂડીરોકાણ) ક્ષેત્રે ચોથા ઝડપથી વિકસતા સ્ત્રોત તરીકે આગળ ધપી રહ્યું છે ત્યારે એ મહત્ત્વપૂર્ણ બની રહે છે કે દેશમાં ભારતીય બિઝનેસ દ્વારા રોકાણની હકારાત્મક અસરોને આપણે ઓળખ આપીએ.’
રિપોર્ટ અનુસાર ભારતીય કંપનીઓએ અમેરિકાના ટોચના પાંચ રાજ્યોમાં મહત્તમ નોકરીઓનું સર્જન કર્યું છે. જેમાં ન્યૂ જર્સીમાં ૯૩૦૦ જોબ્સ, કેલિફોર્નિયામાં ૮૪૦૦ જોબ્સ, ટેક્સાસમાં ૬૨૦૦ જોબ્સ, ઇલિનોઇસમાં ૪૮૦૦ અને ન્યૂ યોર્કમાં ૪૧૦૦ નોકરીનું સર્જન કર્યું છે. સીઆઈઆઈના અભ્યાસમાં એ બાબત પર ખાસ ધ્યાન અપાયું છે કે યુએસમાં ભારતીય કંપનીઓનું યોગદાન અને પ્રભાવ કઈ રીતે વધી રહ્યાં છે.
અમેરિકા ખાતેના ભારતીય રાજદૂત અરુણ કે. સિંહે કહ્યું હતું કે ભારતીય કંપનીઓના યોગદાનથી અમેરિકા અને ભારત વચ્ચેના સંબંધોમાં વધુ મજબૂતી આવી રહી છે. તેમણે કહ્યું હતું, ‘ભારતીય કંપનીઓ અમેરિકામાં માત્ર રોકાણ અને નોકરીઓનું સર્જન જ નથી કરતી, પરંતુ તેઓ સ્થાનિક સમુદાયોની સમૃદ્ધિ અને પ્રગતિમાં નોંધપાત્ર હિતધારક પણ બની રહી છે.’
રિપોર્ટ અનુસાર ૮૪.૫ ટકા ભારતીય કંપનીઓ અમેરિકામાં વધુ રોકાણ માટે વિચારણા કરી રહી છે. તેમ જ ૯૦ ટકા કંપનીઓ આગામી પાંચ વર્ષમાં વધુ કર્મચારીઓને હાયર કરવાનું આયોજન કરી રહી છે. સીઆઈઆઈ પ્રમુખ સુમિત મઝુમદારે કહ્યું હતું કે યુએસ-ભારત સંબંધો આ ભારતીયો કંપનીઓના કારણે વધુ મજબુત બન્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter