લંડનઃ ભારતીય કંપની તાતા સ્ટીલે યુકેમાં પોર્ટ તાલબોટ અને અન્ય સ્ટીલ કંપનીઓના વેચાણ માટેની વિધિવત પ્રક્રિયા શરૂ કરી દીધા બાદ ખાસ કરીને ચીનના સ્ટીલ ઉત્પાદકોમાંથી સંભવિત ખરીદદારો શોધી કાઢવા માટે સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંકની નિમણુક કરી છે. કંપનીએ ઓડિટર કેપીએમજી સાથે મળીને કામ કરવા બેંકને જણાવ્યું છે.
કંપનીએ જણાવ્યું હતું કે તેણે ૧૯૦ જેટલાં ખરીદદારોનો સંપર્ક કર્યો હતો. દરમિયાન, બિઝનેસ સેક્રેટરી સાજિદ જાવિદે જણાવ્યું હતું કે સ્ટીલનું વધુ પડતું ઉત્પાદન કરતાં ચીને જરૂર જણાય તો તેમાં કાપ મૂકવાની તૈયારી બતાવી છે.
કંપનીએ તાતા સ્ટીલ યુકેના ચીફ એક્ઝિક્યુટિવ તરીકે બિમલેન્દ્ર ઝાની નિમણુકની જાહેરાત કરી હતી.
સ્ટીલના ઘટતા ભાવ અને ચીન દ્વારા મોટા પ્રમાણમાં સ્ટોક ડમ્પિંગને લીધે ભારે અસર પામેલા સ્ટીલ ઉદ્યોગના ભવિષ્ય અંગે ચીન સહિતના દેશો સાથે તાકીદની વાટાઘાટો માટે બિઝનેસ સેક્રેટરી સાજિદ જાવિદ બ્રસેલ્સની મુલાકાતે છે.
જાવિદે જણાવ્યું હતું કે વાટાઘાટો રચનાત્મક રહી હતી. જરૂર જણાય તો સ્ટીલ ઉત્પાદનમાં કાપ મૂકવાનો ચીન તરફથી સંકેત મળ્યો હતો. તાતાને આ સમસ્યાને લીધે બ્રિટનમાં સ્ટીલ ઉદ્યોગમાં દરરોજ લગભગ એક મિલિયન પાઉન્ડ સુધીનું નુક્સાન વેઠવું પડે છે. તેમણે ઉમેર્યું હતું કે આ સમસ્યાનો રાતોરાત ઉકેલ આવે તેવું શક્ય બને. બધા દેશો સાથે થયેલી વાટાઘાટોથી તે દિશામાં પ્રગતિ થશે. વાટાઘાટોમાં ચીન સામેલ થયું તેનાથી ઘણો ફરક પડશે.