લંડનઃ ક્રોસ ચેનલ રેલ કંપની યુરોસ્ટારે જૂન મહિના માટે લંડનના સેન્ટ પેન્ક્રાસથી પેરિસના નોર્ડ સુધીનું ભાડું ઘટાડીને ૨૫ પાઉન્ડ કર્યું છે. જોકે, તેનો લાભ લેવા માટે પ્રવાસીએ એક અઠવાડિયા અગાઉ બુકિંગ કરાવવું પડશે અને કઈ ટ્રેનમાં મુસાફરી કરવાની છે તે પોતે પસંદ કરી શકશે નહિ. જોકે, મૂળ ભાડુ વન-વે ૪૫ પાઉન્ડ અને રિટર્ન ૫૮ પાઉન્ડ છે.
પીક સિઝન સિવાયના સમયમાં યુરો સ્ટાર ટ્રેનોની ઘણી ખાલી રહેતી સીટો ભરવા માટેની આ ‘યુરોસ્ટાર સ્નેપ’ પદ્ધતિ છે. પ્રવાસીએ ફેસબુક મારફતે snap.eurostar.com પર જઈને લોગ થવું પડશે અને ૨ થી ૩૦ જૂન વચ્ચેના કોઈ પણ દિવસની સવાર અથવા બપોરે જવા માટે બુકિંગ કરાવી શકશે. યુરોસ્ટાર મુસાફરીના ૪૮ કલાક અગાઉ ટ્રેનનો ચોક્કસ ટાઈમ કન્ફર્મ કરશે. બુકિંગ અને ટિકિટની રકમ ચૂકવાઈ ગયા બાદ તે બદલી અથવા તો કેન્સલ કરી શકાશે નહીં.
પેરિસ તરફની પ્રથમ ટ્રેન સવારે ૫.૪૦ની છે અને છેલ્લી સંભવિત ટ્રેન રાત્રે ૮.૩૧ કલાકની છે, જે મધરાત પહેલા પેરિસ પહોંચાડે છે.