સરેના બ્રોકહામ ગ્રીન ખાતે ૧૮ વર્ષના તરવરિયા ગુજરાતી યુવાનનું ચોકલેટ બનાવવાનું કૌવત નજરે નિહાળવાનું શાહી પરિવારનાં પ્રિન્સેસ એન ટાળી શક્યાં નહિ. અા ચોકલેટીયર યુવાન એટલે વીરસદનો મૂળવતની દનેશ અમીન. ગત ૧૬ ફેબ્રુઅારીએ ૨૫૦થી વધુ અામંત્રિતોની ઉપસ્થિતિમાં પ્રિન્સેસ એનએ દનેશ અમીનની ચોકલેટ ફેકટરીની મુલાકાત લીધી હતી.
ગુજરાત સમાચારને અાપેલી ખાસ મુલાકાતમાં દનેશ અમીને જણાવ્યું કે, “હું નવ વર્ષનો હતો ત્યારે સ્કૂલની ટ્રીપમાં પેરિસ ગયો હતો. ત્યાં મેં ચોકલેટ બનાવતી ફેકટરી જોઇ હતી. ઘરે અાવી મેં મારા કિચનમાં ચોકલેટ બનાવી મારા પિતાજી યોગેશભાઇ અમીનની દુકાન બહાર વેચવા મૂકી. સૌ સ્થાનિક લોકો ખાસ કરીને બાળકોને મારી ચોકલેટ ખૂબ ગમી એટલે મેં ચેરિટી માટે વધુ ચોકલેટ તૈયાર કરી. એ પછી મેં અોક્સફર્ડ અને બેલ્જિયમમાં ચોકલેટ બનાવટનો કોેર્ષ કર્યો અેમાં મને માસ્ટરની ડિગ્રી મળી. અાજે હું ૧૪ જાતના સ્વાદની ૧૦૦થી વધુ ડિઝાઇનની ચોકલેટો બનાવું છું. યુ.કે.નો હું યંગેસ્ટ ચોકલેટીયર છું એટલે પ્રિન્સેસ એનને જોવું હતું કે મારી પ્રોડક્ટ હું કેવી રીતે તૈયાર કરું છું. હું બેલ્જિયમ ચોકલેટીયર છું એટલે એની ચોકલેટ બનાવું છું. મારી ચોકલેટ યુ.કે.ના માર્કેટમાં વેચાય છે.” હાલ દનેશ અમીન બ્રાયટન નજીક ચીચેસ્ટર યુનિવર્સિટીમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો અભ્યાસ કરે છે. એના માતા પન્નાબેન કરમસદના દીકરી છે અને પિતા યોગેશભાઇ ચંદુભાઇ અમીન વીરસદના વતની છે.
photo
૧) તસવીરમાં દનેશ અમીન સાથે વાતચીત કરી રહેલાં પ્રિન્સેસ એન.
૨) દનેશે બનાવેલી વિવિધ ચોકલેટ