મુંબઈઃ દેશના પ્રખ્યાત ઉદ્યોગપતિ અને ટાટા સન્સના પૂર્વ પ્રમુખ રતન ટાટાએ ચીનની સ્માર્ટફોન નિર્માતા કંપની શાઓમીમાં મૂડી રોકાણ કર્યું છે. શાઓમીમાં કોઇ ભારતીય દ્વારા કરાયેલું પહેલું મૂડીરોકાણ છે. અલબત્ત, કંપનીએ રતન ટાટાએ કરેલા રોકાણની રકમનો ખુલાસો નથી કર્યો.
શાઓમી ઇન્ડિયાના પ્રમુખ મનુ જૈનના જણાવ્યા પ્રમાણે, ટાટા માત્ર એક રોકાણકાર નથી બલ્કે તેઓ અમારા માર્ગદર્શક પણ છે. અમારા માટે ટાટા કરતા સારા વ્યૂહાત્મક સહયોગી અન્ય કોઇ ના હોઇ શકે. અમે ભારતમાં અમારા વધી રહેલા વ્યાપારને વિસ્તારવા માટે તેમનું માર્ગદર્શન મેળવશું. શાઓમી ચીનમાં સૌથી વધારે સ્માર્ટફોન વેચનારી કંપની છે જ્યારે ભારતમાં તે પાંચમા સ્થાને છે. શાઓમીના સંસ્થાપક અને ચીફ એક્ઝક્યુટિવ ઓફિસર લી જૂનના જણાવ્યા પ્રમાણે ટાટા વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત વ્યવસાયીઓ પૈકીના એક છે. તેમણે કરેલું રોકાણ ભારતમાં અમારી રણનીતિ પર મહોર સમાન છે.
સહ-સંસ્થાપક અને પ્રેસિડેન્ટ બિન લિનના જણાવ્યા અનુસાર ચીન બાદ ભારત અમારું સૌથી મોટું બજાર છે. અમારું લક્ષ્ય ભારતમાં પાંચ વર્ષમાં નંબર એક બનવાનું છે.
શાઓમી જુલાઇ ૨૦૧૪માં ભારતીય બજારમાં પ્રવેશ બાદ ઝડપથી વિકાસ કરી રહી છે. ગયા અઠવાડિયે તેણે ભારતના બજાર માટે ખાસ એમઆઈ-4 લોન્ચ કર્યો છે, તેની કિંમત ૧૨,૯૯૯ રૂપિયા છે. શાઓમીને ચીનનો એપલ પણ કહેવાય છે. ડિસેમ્બરમાં તેણે 1.1 બિલિયન ડોલરની રકમ એકત્ર કરી હતી ત્યારે કંપનીની કિંમત ૪૫ બિલિયન ડોલર આંકવામાં આવી હતી.