જલંધરઃ બળાત્કાર કેસમાં દોષિત ઠરેલા ડેરાગુરમીત રામરહીમને ૨૦ વર્ષની જેલની સજા થયાના ૧૦ દિવસમાં ડેરાનો અંદાજે ૮૦૦ કરોડ રૂપિયાનો વ્યવસાય બંધ થઈ ગયો છે. સિરસા ડેરાની ૧૪ કંપની, ૮ સ્કૂલ-કોલેજ, ફાઈવ સ્ટાર હોટેલ, એમએસજી રિસોર્ટ, કશિશ રેસ્ટોરન્ટ, જૂના ડેરા સામે આવેલી એસી સુપર માર્કેટસ ૫૨ દુકાનોને તાળાં લાગી ગયાં છે. બેન્ક ખાતાં સીલ થઈ ગયાં છે. વ્યવસાય સાથે સંકળાયેલા અંદાજે ૮ હજાર લોકો બેરોજગાર થઈ ગયા છે.
દેશભરમાં ૪૦૦ જેટલા ડીલર્સે એમએસજી સ્ટોર બંધ કરી દીધા છે. ૨૦૦૮થી અત્યાર સુધીમાં ગુરમીતે ૧૪ કંપની ઊભી કરી છે. તેમાંથી ૯ કંપની તો માત્ર ૪ વર્ષમાં ઊભી કરી હતી. બાબાનું ટારગેટ ૫ વર્ષમાં ૫૦૦૦ કરોડ રૂપિયાના વ્યવસાયનું લક્ષ્ય હાંસલ કરવાનું હતું.
એમએસજી ઓલ ટ્રેડિંગ ઈન્ટરનેશનલ પ્રાઈવેટ લિમિટેડ કંપની માર્ચ ૨૦૧૬થી દેશ-વિદેશમાં ડેરાના ૬૦૦થી વધુ ચર્ચા ઘરો અને ૪૦૦ ડીલર્સ મારફતે ૧૫૧ પ્રોડક્ટ્સમાં શેમ્પૂ, હેર ઓઈલ, ચા, ચોખા, દાળ, બિસ્કિટ, અથાણું અને મિનરલ વોટર વગેરે વેચે છે.
બાબાની બિઝનેસ સ્ટ્રેટેજી...
• ગુરમીતના નામે ગેરમાર્ગેઃ રામરહીમ પ્રત્યે ઘેલછાને લીધે કોડીઓના માલને બાબાના હાથે બનેલો માનીને ભક્તો મોં માગી કિંમત ચૂકવતા હતા. બાબાના હાથે તૈયાર થયેલું અથાણું બતાવીને એક લાખ રૂપિયા કિલો સુધી વેચાતુ હતું.
• સત્સંગોનો સહારોઃ સત્સંગ દરમિયાન સ્ટોલ પર ડેરાના ગારમેન્ટ્સ, હેન્ડલૂમ વેચાતા હતા. જેથી તેમને મનપસંદ નફો થયો. કંપનીએ બોલિવૂડના ફેશન ડિઝાઇનર્સ રાખ્યા હતા, જેઓ રામરહીમ અને હનીપ્રીત માટે ડિઝાઇનર્સ વસ્ત્રો તૈયાર કરતા રહ્યા.