મુંબઈ/નવી દિલ્હીઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ટેલિકોમ માર્કેટમાં પ્રવેશની બહુ આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે ત્યારે એવા અહેવાલ છે કે કંપની બે સપ્તાહની અંદર Lyf બ્રાન્ડ હેઠળ મોબાઇલ હેન્ડસેટ લોન્ચ કરી દેશે. આમ, કંપની ત્રણેક મહિનાની અંદર રિલાયન્સ જિયો ઇન્ફોકોમ મારફતે કોમર્શિયલ સર્વિસ લોન્ચ કરશે તેવા સંકેત મળે છે.
ઉલ્લેખનીય છે કે મુકેશ અંબાણીની માલિકી રિલાયન્સ ઇન્ફોકોમ ગયા સપ્તાહે સ્વ. ધીરુભાઇ અંબાણીના જન્મદિને નવી મુંબઇ સ્થિત રિલાયન્સ કેમ્પસમાં તેની ફોર-જી સેવાનું લોન્ચિંગ કર્યું હતું. બોલિવૂડના બાદશાહ શાહરુખ ખાને એક ઝાકઝમાળભર્યા આ સેવાનો પ્રારંભ કર્યો હતો ત્યારે અંબાણી પરિવારના તમામ સભ્યો હાજર હતા. હાલમાં આ સેવા રિલાયન્સના કર્મચારીઓ પૂરતી સીમિત છે, અને હવે તેના કોમર્શિયલ લોન્ચિંગ માટે રાહ જોવાઇ રહી છે.
એક અહેવાલમાં સૂત્રોને ટાંકીને જણાવવામાં આવ્યું છે તે પ્રમાણે હિંદુ માન્યતા મુજબ મકરસંક્રાંતિના દિવસે નવા સૂર્યનો ઉદય થતો હોવાથી કંપની ૧૫ જાન્યુઆરીએ હેન્ડસેટ લોન્ચ કરે તેવી શક્યતા છે. Lyf બ્રાન્ડના હેન્ડસેટનું લોન્ચિંગ જિયોની નેટવર્ક સર્વિસિસનું એપ્રિલમાં સંભવિત કોમર્શિયલ લોન્ચિંગ થવાના સંકેત આપે છે કારણ કે, આ ફોનને ૯૦ દિવસ માટે ફ્રી કનેક્શન સાથે બંડલ કરવાની કંપનીની પ્રારંભિક યોજના છે.
આમાંના કેટલાક ફોન જિયોના સ્ટાફ માટે કેમ્પસ સ્ટોર ખાતે બે મહિનાથી ઉપલબ્ધ કરાવાયા છે. અત્યાર સુધીના આયાતના આંકડા મુજબ, Lyf બ્રાન્ડના ૩.૭ લાખ હેન્ડસેટ ભારતમાં આવ્યા છે, જેમાંથી કેટલાક ફોન સ્ટાફને ૨૫ ટકા ડિસ્કાઉન્ટ ભાવે વેચવામાં આવ્યા છે.
અત્યારે Lyf માટે જવાબદાર રિલાયન્સ ડિજિટલ આ બ્રાન્ડની ચાર સિરીઝ (અર્થ, વોટર, વિન્ડ અને ફ્લેમ) લોન્ચ કરશે. ઇન્ટેક્સ અને માઈક્રોમેક્સ સહિતની કંપનીઓ દ્વારા બનાવવામાં આવેલા ફોનની કિંમત રૂ. ૪૦૦૦થી રૂ. ૨૫,૦૦૦ની વચ્ચે રહેશે તેમ મનાય છે.
એક અગ્રણી ફોર્મેટ રિટેલરના વડાએ નામ ગુપ્ત રાખવાની શરતે કહ્યું હતું કે, Lyf બ્રાન્ડેડ સ્માર્ટફોન્સ આવતા સપ્તાહના પ્રારંભથી દેશભરના રિટેલર્સને ત્યાં આવવાના શરૂ થઈ જશે.