રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દેશની સૌથી મોટી કંપનીઃ રૂ. ૩.૬૮ લાખ કરોડની અસ્ક્યામત

Wednesday 11th March 2015 09:38 EDT
 
 

નવી દિલ્હીઃ ભારતના ટોચના ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની માલિકી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિ. (આરઆઇએલ) રૂ. ૩.૬૮ લાખ કરોડની અસ્કામત સાથે ભારતની સૌથી મોટી કોર્પોરેટ કંપની બની છે. ભારત સરકારના કોર્પોરેટ બાબતોના મંત્રાલયે જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે ટોચની ૧૦ કંપનીઓમાં આરઆઈએલ અને એચડીએફસી એમ માત્ર બે જ ખાનગી કંપનીઓ સામેલ છે.
માર્ચ ૨૦૧૪ના અંત સુધીમાં રિલાયન્સની એસેટ રૂ. ૩.૬૮ લાખ કરોડ હતી જ્યારે બીજા ક્રમે રહેલી ઈન્ડિયન ઓઈલ કંપની (આઈઓસી)ની એસેટ રૂ. ૨.૫૨ લાખ કરોડ અને ત્રીજા ક્રમે રહેલી હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઈનાન્સ કોર્પોરેશન (એચડીએફસી)ની એસેટ રૂ. ૨.૨૫ લાખ કરોડ હતી.
આ માહિતી કોર્પોરેટ બાબતોના પ્રધાન અરુણ જેટલીએ રાજ્યસભામાં આપેલા લેખિત જવાબમાં જણાવી હતી. ભારતની ટોપ-૧૦ કંપનીમાં સામેલ અન્ય કંપનીઓમાં ચોથા ક્રમે પાવર ફાઈનાન્સ કોર્પ, પાંચમા ક્રમે એનટીપીસી, છઠ્ઠા ક્રમે રુરલ ઈલેક્ટ્રિફિકેશન કોર્પોરેશન, સાતમા ક્રમે પાવરગ્રીડ કોર્પોરેશન, આઠમા ક્રમે એલઆઈસી હાઉસિંગ ફાયનાન્સ, નવમા ક્રમે સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા અને દસમા ક્રમે ભારત સંચાર નિગમ લિ.નો સમાવેશ થાય છે.
૩૦ નવેમ્બર ૨૦૧૪, સુધીમાં વર્ષ ૨૦૧૩-૧૪ માટે ૪,૧૫,૮૮૬ કંપનીઓએ જમા કરાવેલા આંકડા પરથી આ યાદી તૈયાર કરવામાં આવી છે. જેટલીએ જણાવ્યું હતું કે કુલ ૪,૧૫,૮૮૬ કંપનીઓની એસેટનું કુલ મૂલ્ય રૂ. ૧૧૭, ૦૮ લાખ કરોડ હતું અને ૩૧ માર્ચ ૨૦૧૪ સુધીમાં આ કુલ મૂલ્યમાં ટોપ-૧૦ કંપનીઓનો હિસ્સો ૧૫.૩ ટકા હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter