મુંબઈઃ દેશના ટોચના કોર્પોરેટહાઉસ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની ૪૧મી વાર્ષિક સામાન્ય સભાને સંબોધતા મુકેશ અંબાણીએ જાહેરાત કરી હતી કે કંપની આગામી ૧૨થી ૧૮ માસમાં ૨ લાખ કરોડ રૂપિયાના મૂડીરોકાણ સાથે ઓઇલ, પેટ્રોકેમિકલ્સ પ્રોજેક્ટને પૂર્ણ કરવાની જાહેરાત કરી હતી. આની સાથોસાથ તેમણે દેશભરમાં જેની આતુરતાપૂર્વક રાહ જોવામાં આવી રહી છે તે રિલાયન્સ જિયો ટેલિકોમ સર્વિસના લોન્ચીંગની જાહેરાત કરતાં કહ્યું હતું કે કંપની વર્ષના અંત સુધીમાં ૨૯ રાજ્યોમાં ૪-જી સેવાઓ શરૂ કરશે.
આગામી નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭ સુધીમાં સૂચિત મૂડીરોકાણ દ્વારા સારો લાભ મળશે એવી આશા વ્યક્ત કરતા તેમણે કહ્યું હતું કે વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક પેટ્રોકેમિકલ્સ અને રિફાઇનિંગ બિઝનેસમાં ઉચ્ચ વૃદ્ધિની ક્ષમતા સાથે રિલાયન્સનો ખાસ પોર્ટફોલિયો બનશે જેનાથી વિશ્વની સૌથી વધુ મૂલ્યવાન કંપનીઓની યાદીમાં રિલાયન્સ પોતાનું સ્થાન મેળવશે.
તેમણે કહ્યું હતું કે આ વર્ષના અંત સુધી ૪૦૦૦ રૂપિયાથી ઓછી કિંમતના ૪-જી એલટીઈ સ્માર્ટફોન લોન્ચ કરવાની યોજના છે તેમ જ આગામી કેટલાક માસમાં નવી સ્માર્ટ એપ પણ લોન્ચ કરશે. કંપની બ્રોડકાસ્ટ ટીવી ડિસ્ટ્રીબ્યુશનમાં પ્રવેશ કરવાની પણ યોજના ધરાવે છે. કંપની વિશ્વના ટોચના દસ પીએક્સ, પીટીએ, એનઇજી અને પીપી ઉત્પાદકોમાં સ્થાન ધરાવે છે. દહેજ ખાતે ઓક્ટોબર સુધીમાં પીટીએ ઉત્પાદન ક્ષમતામાં વાર્ષિક ૧.૧૫ મિલિયન ટનનો ઉમેરો કરાશે આમ વિશ્વના પાંચમાં સૌથી મોટા પીટીએ ઉત્પાદક બની જશે.
આ ઉપરાંત કંપનીએ પેમેન્ટ બેન્કીંગ લાઇસન્સ માટે એસબીઆઇ સાથે ભાગીદારી કરી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
દેશભરમાં એસેટ્સનું લક્ષ્ય
• આગામી એકથી દોઢ વર્ષમાં રૂ. ૨ લાખ કરોડના મૂડીરોકાણની યોજના • ૨૦૧૫ અંત સુધીમાં ૨૯ રાજ્યોમાં ૪-જી સેવાનો પ્રારંભ • માર્ચ ૨૦૧૬ સુધીમાં રિટેલ પેટ્રોલ પંપો શરૂ કરાશે • દેશની કુલ નિકાસમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું યોગદાન ૧૨ ટકા • રિલાયન્સ રિટેલ ૯૦૦ શહેરો સુધી પહોંચાડવાની યોજના • વર્ષાંન્ત સુધીમાં ૮૦ ટકા લોકો સુધી રિલાયન્સ જિયો ટેલિકોમ સેવા પહોંચશે