નવી દિલ્હીઃ પહેલી જાન્યુઆરીથી અમલી બનેલા નવા કાયદા અનુસાર, રૂ. ૫૦,૦૦૦થી વધુના હોટેલ કે વિદેશ પ્રવાસ બિલની રોકડમાં ચુકવણી જેવા કેશ ટ્રાન્ઝેક્શન માટે હવેથી ફરજિયાતપણે પાનકાર્ડ નંબર આપવા પડશે. કાળું નાણું ડામવાના ઉદ્દેશે નાણા મંત્રાલયે આ નિર્ણય કર્યો હોવાનું મનાય છે.
માત્ર હોટેલ અને વિદેશ પ્રવાસના બિલોની ચુકવણી માટે નહીં, પરંતુ રોકડ કે કાર્ડ દ્વારા રૂપિયા બે લાખથી વધુની જ્વેલરીની ખરીદી સહિતના બધા ટ્રાન્ઝેક્શન્સ માટે પણ પાનકાર્ડ નંબર પહેલી જાન્યુઆરીથી જરૂરી બની ગયું હોવાનું જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે. પાનકાર્ડ ન હોવાની ખોટી માહિતી આપનારને જેલની સજા થશે.
આ બધા આર્થિક વ્યવહારમાં પાનકાર્ડ જરૂરી
• ૨ લાખ રૂપિયાથી વધુની જ્વેલરીની ખરીદી માટે.
• ૧૦ લાખ રૂપિયાથી વધુની સ્થાયી મિલકતની ખરીદી માટે.
• એક સમયે ૫૦ હજારથી વધુની ટર્મ ડિપોઝિટ માટે.
• એક વર્ષમાં બેંકોની, પોસ્ટ ઓફિસો અને એનબીએફસીએસની સ્કીમમાં પાંચ લાખ રૂપિયાથી વધુના રોકાણ માટે.
• અનલિસ્ટેડ કંપનીઓના એક લાખ કે તેથી વધુના શેર ખરીદવા
• પ્રધાનમંત્રી જનધન યોજનાના એકાઉન્ટ્સ સિવાય બધા બેંક એકાઉન્ટ ખોલાવવા માટે.