લંડન: બ્રિટનના ભવ્ય વારસામાં સ્થાન ધરાવતી ઓલ્ડ વોર ઓફિસ ઇમારત હવે હિન્દુજા ગ્રૂપની થઈ ગઈ છે. બ્રિટિશ સંરક્ષણ મંત્રાલયે તેની ચાવી હિન્દુજા જૂથના કો-ચેરમેન જી. પી. હિન્દુજા, તેમના ભાઈ પી. પી. હિન્દુજા તેમજ તેમના સ્પેનના ભાગીદાર વિલ્લાર મીરને સોંપી છે. સોદો કેટલામાં થયો તેનો ખુલાસો કરાયો નથી, પરંતુ એક અંદાજ મુજબ તેની કિંમત રૂ. ૩૦૦૦ કરોડ આંકવામાં આવી છે.
બીજા વિશ્વયુદ્ધના સમયે વડા પ્રધાન વિન્સ્ટન ચર્ચિલ ઓલ્ડ વોર ઓફિસમાંથી કામકાજ સંભાળતા હતા. વિશ્વયુદ્ધ દરમિયાન દુશ્મન દેશોએ આ ઈમારત પર બે વખત કુલ ૧૧ બોમ્બ ફેંક્યા હતા. બ્રિટિશ સંસદ અને વડા પ્રધાન નિવાસ અહીંથી માત્ર અડધો કિલોમીટર દૂર છે. આ ઇમારત ૧૭મી સદીથી ૧૯૬૪ સુધી બ્રિટિશ આર્મીનું હેડ ક્વાર્ટર હતી. સંરક્ષણ મંત્રાલયે ઓગસ્ટ ૨૦૧૩માં તેને લીઝ પર આપવાની જાહેરાત કરી હતી.
આ ભવ્ય ઇમારતને ૨૫૦ વર્ષની લીઝ પર હિન્દુજા જૂથને સોંપવામાં આવી છે. હિન્દુજા જૂથ અને તેના સ્પેનિશ પાર્ટનર આ ઇમારતનું રિનોવેશન કરીને તેમાં ફાઇવસ્ટાર હોટેલ અને એપાર્ટમેન્ટસ ઉપરાંત પ્રાઇવેટ ફંકશન રૂમ, સ્પા અને ફિટનેસ સેન્ટર સહિતની સુવિધા વિકસાવશે.
જી. પી. હિન્દુજાએ ઇમારતનો ઔપચારિક કબ્જો સંભાળ્યા બાદ જણાવ્યું હતું કે અમે આ ઓલ્ડ વોર ઓફિસને નવું જીવન આપીશું. અમે ઈમારતને એક મૂલ્યવાન રત્ન સ્વરૂપે લંડનના મુગટમાં લગાવવા માગીએ છીએ. આજે વિન્સ્ટન ચર્ચિલ હોત તો તેઓ પણ અમારા કામને લીલી ઝંડી આપી દેત. અમે અમારા કામ મારફત દેશને કંઈક પાછું આપવા માગીએ છીએ.
ઓલ્ડ વોર હાઉસ
• સાત માળની ઈમારત • ૫.૮૦ લાખ સ્કવેરફીટ એરિયા • તમામ પેસેજની કુલ લંબાઇ ત્રણ કિ.મી. • અત્યારે પણ ૧૧૦૦ રૂમ છે